બોપલમાં માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
- પાડોશીઓ સાથે ઝઘડો કરીને પોલીસથી બચવા ભાગતા સર્જાયો કરૂણ અંત
- બોપલના ફ્લેટમાં પોલીસ આવતા ભાગવા જતાં ચોથા માળેથી નીચે પટકાયો
- આર્મી જવાનથી લઈને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન સુધીની સફર
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદના પોશ બોપલ વિસ્તારમાં આવેલ 'અક્ષર લક્ઝ્યુરિયા' ફ્લેટમાં ગત રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં નામચીન આરોપી મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાવવાને કારણે મોત થયું છે. પ્રાથમિક તપાસ મુજબ, મૃતક મહાવીરસિંહ નશાની હાલતમાં પાડોશીઓ સાથે મારામારી અને હોબાળો મચાવી રહ્યો હતો. રહીશોએ પોલીસને જાણ કરતા, પોલીસના આગમનનો ભય અનુભવીને આરોપી બચવા માટે ભાગ્યો હતો. આ દરમિયાન ચોથા માળેથી ભાગવાના પ્રયાસમાં તેનો પગ લપસતા તે સીધો નીચે પટકાયો હતો, જેના કારણે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતક મહાવીરસિંહ સિંધવ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ ગુજસીટોક, હત્યાના પ્રયાસ, મારામારી અને એનડીપીએસ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર હતો. મૂળ ઈન્ડિયન આર્મીમાં સપ્લાય સોલ્જર તરીકે ફરજ બજાવી ચૂકેલો મહાવીરસિંહ વર્ષ ૨૦૨૦માં જાણીતા કલાકાર દેવાયત ખવડના ડાયરામાં રૂપિયાનો વરસાદ કરીને લાઈમલાઈટમાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૩માં સુરેન્દ્રનગરમાં ઝડપાયેલા ડ્રગ્સકાંડમાં પણ તેનું નામ સામે આવ્યું હતું અને એવી આશંકા હતી કે તે લોરેન્સ બિશ્નોઈ ગેંગને પણ ડ્રગ્સ પૂરા પાડતો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં હથિયાર બતાવી લૂંટ કરવાના કેસમાં પણ તેની અગાઉ ધરપકડ થઈ હતી.
બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ સુનિલ ચૌધરીએ જણાવ્યું કે પ્રત્યક્ષદર્શીઓના નિવેદન અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. એક સમયે દેશની સેવા કરનાર જવાન અને ત્યારબાદ અનેક ગંભીર ગુનાઓનો આરોપી બનેલા મહાવીરસિંહનો અંત પોલીસથી બચવા ભાગતી વખતે અત્યંત કરૂણ રીતે આવ્યો છે, જેણે વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
મહાવીરસિંહ સિંધવનું ગુનાહિત ભૂતકાળ
મૃતક મહાવીરસિંહ સિંધવ વિરુદ્ધ રાજ્યના અનેક પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. તે માત્ર મારામારી કે લૂંટના કેસમાં જ નહીં, પરંતુ ડ્રગ્સ જેવા ગંભીર એનડીપીએસ ગુનાઓ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કથિત જોડાણના કારણે પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો હતો. સુરેન્દ્રનગર ડ્રગ્સકાંડમાં તેની અટકાયત કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે તે સંગઠિત ગુનાખોરી સાથે સંકળાયેલો હતો. તેની આ સફર આર્મીથી લઈને ગુનાખોરીની દુનિયા સુધીની હતી, જેનો અંત આ રીતે આવ્યો છે.