અમદાવાદમાં માત્ર 3.30 લાખમાં ઘરનું સપનું પૂરું: 7,825 નવા આવાસોની જાહેરાત
- નિકોલ, બોપલ, મોટેરા અને મકરબા જેવા પ્રાઈમ લોકેશન પર બનશે હાઈરાઈઝ ફ્લેટ્સ
- વાર્ષિક 3,00,000 સુધીની આવક ધરાવતા પરિવારોને મળશે ખાનગી ફ્લેટ જેવી સુવિધાઓ
- પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 28 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા ઘરો
સિટી ન્યુઝ @ અમદાવાદ
ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં રિયલ એસ્ટેટના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 7,825 જેટલા 1 BHK ફ્લેટ બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મકાનો મધ્યમ અને ઓછી આવક ધરાવતા લોકોને મેન્ટેનન્સ સાથે માત્ર 3.30 લાખની રાહત દરે ફાળવવામાં આવશે. જેના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા પણ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
નવા પ્રોજેક્ટ હેઠળ શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારો જેવા કે નિકોલ, બોપલ, મોટેરા અને મકરબામાં આ આવાસોનું નિર્માણ કરવામાં આવશે. આ યોજનાનો લાભ એવા પરિવારો મેળવી શકશે જેમની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક 3,00,000 સુધીની છે. નાગરિકોની સુવિધા માટે AMCની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મકાન મેળવવા માટે જરૂરી સોગંદનામું અને પ્રોજેક્ટની વિગતવાર માહિતી માટે ઓનલાઈન બ્રોશર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
આ આવાસોના પ્લાનિંગની વાત કરીએ તો દરેક ફ્લેટમાં 28 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા અને 33 થી 35 ચોરસ મીટરનો બિલ્ટઅપ એરિયા રાખવામાં આવ્યો છે. જેમાં એક ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, કિચન અને કોમન ટોઈલેટની સુવિધા આપવામાં આવશે. ખાનગી બિલ્ડરો દ્વારા બનાવવામાં આવતા હાઈરાઈઝ ફ્લેટ્સની જેમ જ અહીં પણ દરેક બ્લોકમાં લિફ્ટની સુવિધા હશે. સરકારે આવાસની કિંમત એવી રીતે નક્કી કરી છે કે ગરીબ પરિવારો પણ આર્થિક બોજ વિના પોતાના ઘરનું ઘર મેળવી શકે.
રહેવાસીઓના જીવનધોરણને સુધારવા માટે આવાસ યોજનામાં આંગણવાડી, ગ્રીન એરિયા અને બાળકો માટે રમતગમતના ગાર્ડનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સુરક્ષા માટે અદ્યતન ફાયર સેફ્ટી સિસ્ટમ અને વાહનો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. મોટાભાગની આવાસ યોજનાઓની ડિઝાઈન એવી રીતે તૈયાર કરાઈ છે કે બિલ્ડીંગની બહાર જ વ્યવસાયિક દુકાનો હશે, જેથી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે દૂર સુધી જવું ન પડે.
અમદાવાદમાં જે રીતે હાઈરાઈઝ બિલ્ડીંગોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યાં સામાન્ય માણસ માટે ઘર લેવું અશક્ય બની રહ્યું છે. તેવા સમયે સરકારના આ અભિગમથી હજારો પરિવારોને છત મળશે. ઓનલાઈન અરજી કર્યા બાદ કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે. જો તમે પણ આ પાત્રતા ધરાવતા હોવ, તો વહેલી તકે ફોર્મ ભરીને આ તકનો લાભ લઈ શકો છો. આવનારા સમયમાં આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતા જ શહેરના આ વિસ્તારોમાં વસ્તી અને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.
નાગરિકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ https://housingapplicationform.ahmedabadcity.gov.in/ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. મકાન મેળવવા માટે સોગંદનામુ અને ફ્લેટો વિશેની માહિતી માટે બ્રોશર પણ આપવામાં આવ્યું છે.