અમદાવાદમાં પોલીસને ચકમો આપી પોક્સોનો આરોપી ફરાર: વાડજમાં ભારે દોડધામ
- મેડિકલ કરાવી પરત લાવતી વખતે ગાડીમાંથી ઉતરતા જ ભાગ્યો; અંધારાનો લાભ લઈ આરોપી ગાયબ
- બે પોલીસકર્મીઓની પકડમાંથી છૂટીને ભરત ડાભાણી નાસી છૂટ્યો; અસારવા સિવિલથી પરત લાવતી વખતે બની ઘટના
- વહેલી સવારે 5:00 વાગ્યે પોલીસ સ્ટેશનની બહારથી જ પલાયન; આરોપીને ઝડપી પાડવા ટીમો તૈનાત
સિટી ન્યુઝ @ અમદાવાદ : અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો (POCSO) એક્ટ હેઠળના ગંભીર ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. વાડજ પોલીસે ગઈકાલે રાત્રે આશરે 11:30 વાગ્યે ભરત સુરેશભાઈ ડાભાણી નામના શખ્સની ધરપકડ કરી હતી. જોકે, ધરપકડના ગણતરીના કલાકોમાં જ આરોપી પોલીસની પકડમાંથી છૂટીને પલાયન થઈ જતાં પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ઘટનાની વિગત મુજબ, ધરપકડ કર્યા બાદ નિયમ મુજબ આરોપીની મેડિકલ તપાસ કરાવવી અનિવાર્ય હોવાથી તેને અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. વહેલી સવારે આશરે 5:00 વાગ્યાની આસપાસ જ્યારે પોલીસ ટીમ આરોપીને મેડિકલ કરાવીને પરત પોલીસ સ્ટેશન લાવી હતી, ત્યારે પોલીસ સ્ટેશનની બહાર ગાડીમાંથી ઉતારતી વખતે આ ઘટના બની હતી. આરોપી ભરતે અંધારાનો લાભ લઈને પોલીસકર્મીઓની પકડમાંથી ઝાટકો મારીને દોટ મૂકી હતી અને જોતજોતામાં ગાયબ થઈ ગયો હતો.
આરોપી ભાગ્યો ત્યારે તેની સાથે માત્ર બે જ પોલીસકર્મીઓ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. પોક્સો જેવા સંવેદનશીલ અને ગંભીર ગુનાના આરોપીને લાવવા-લઈ જવા માટે પૂરતો બંદોબસ્ત કેમ રાખવામાં ન આવ્યો તે અંગે હવે ચર્ચાઓ જાગી છે. પોલીસ સ્ટેશનના ઉંબરે પહોંચ્યા બાદ જ આરોપી ફરાર થઈ જતાં શહેરભરના પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને નાકાબંધી કરીને તપાસ તેજ કરવામાં આવી છે.
આ અંગે વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ. પી. ગરાસિયાએ પુષ્ટિ આપતા જણાવ્યું હતું કે, ભરતભાઈ ડાભાણી સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો અને તેનું રાત્રે મેડિકલ કરાવ્યું હતું. આજે સવારે જ્યારે પોલીસ કર્મીઓ તેને સિવિલ હોસ્પિટલથી પરત લાવી રહ્યા હતા ત્યારે તે ભાગી છૂટ્યો છે. પીઆઈએ વધુમાં ઉમેર્યું કે પોલીસને આરોપીનું એક શંકાસ્પદ લોકેશન પણ મળ્યું છે, જેના આધારે અલગ-અલગ ટીમો બનાવીને તેને ફરી ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
શહેરમાં ગંભીર ગુનાનો આરોપી આ રીતે છૂટ્ટો ફરે તે સુરક્ષા માટે ચિંતાનો વિષય હોવાથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ આ મામલે કડક પગલાં લેવાના આદેશો અપાયા છે. હાલમાં વાડજ પોલીસે ફરાર આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીની ધરપકડમાં થયેલી આ ચૂક બદલ જવાબદાર પોલીસકર્મીઓ સામે પણ ખાતાકીય તપાસ થવાની શક્યતા સેવાઈ રહી છે.