અષાઢી બીજે રાજકોટમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે
» રાજવી માંધાતાસિંહ જાડેજાના હસ્તે પહિંદ વિધિ; 26 કિ.મી. રૂટ પર ઠેર-ઠેર ભવ્ય સ્વાગત; રાસમંડળી, અઘોરી મંડળી અને વિરાટ મહાકાળી આકર્ષણનું કેન્દ્ર બનશે
સિટી ન્યૂઝ | રાજકોટ રાજકોટમાં અષાઢી બીજના પાવન અવસરે આગામી ૧૬ જુલાઈએ ભગવાન જગન્નાથજીની પરંપરાગત ભવ્ય રથયાત્રા નીકળશે. છેલ્લા ૧૯ વર્ષથી યોજાતી આ રથયાત્રાનો પ્રારંભ સવારે ૮ વાગ્યે જગન્નાથ મંદિરથી થશે, રથની પહિંદ વિધિ રાજવી માંધાતાસિંહ જાડેજાના હસ્તે યોજાશે. વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડશે. આ વર્ષે રથયાત્રામાં વૃંદાવનની રાસમંડળી, અઘોરી મંડળી તેમજ ઉજ્જૈનની વિરાટ મહાકાળીનું જીવંત પ્રદર્શન મુખ્ય આકર્ષણ રહેશે. વિવિધ સ્થળોએ આ કલાકારો પોતાની કલા રજૂ કરી ભક્તોને ભક્તિ સાથે મનોરંજનનો પણ આનંદ કરાવશે. રથયાત્રા અંદાજે ૨૬ કિલોમીટરના રૂટ પર શહેરભરમાં પરિભ્રમણ કરીને સાંજે મંદિર પરત ફરશે. સમગ્ર માર્ગ પર વિવિધ ધાર્મિક, સામાજિક, વેપારી અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા, ફળાહાર, સરબત, ઠંડા પીણાં અને પ્રસાદથી ભગવાનનું સ્વાગત કરવામાં આવશે.
યાત્રા દરમિયાન ભક્તોને ૨૫૦ કિલો ફણગાવેલા મગ તથા ૧૫૦ કિલો ચણાના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે. રથયાત્રાનો માર્ગ મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, કાલાવડ રોડ, પુષ્કરધામ મેઈન રોડ, જે.કે. ચોક, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, સદરબજાર, લીમડા ચોક, ત્રિકોણબાગ, સાંગાણવા ચોક, પેલેસ રોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠિયાવાડી ચોક, દેવપરા શાકમાર્કેટ, સહકાર મેઈન રોડ, પીડીએમ કોલેજ, સ્વામીનારાયણ ચોક, મવડી રોડ, રાજનગર ચોક અને નાનામવા ચોકથી થઈને ફરી મંદિર પહોંચશે. બપોરે રાજવી માંધાતાસિંહ જાડેજાના પેલેસ ખાતે ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. રથયાત્રામાં સૌથી આગળ ડીજે, ત્યારબાદ રાસમંડળી, ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીના રથ, પ્રસાદનો રથ તથા સુશોભિત ફ્લોટ્સ જોડાશે. જગન્નાથ મંદિરના મહંત મનમોહનદાસજીએ શહેરના તમામ નાગરિકોને રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શનનો લાભ લેવા ભાવિક આમંત્રણ પાઠવ્યું છે.