Loading Please Wait !!!
રાજકોટમાં બે દિલધડક રેસ્ક્યું : ઊંડા તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત

રાજકોટની બાજુમાં આવેલ ઢાંઢણી ગામનો બનાવ

સિટી ન્યૂઝ@રાજકોટ

આજે સવારના સમયે ગઢકા રોડ પર આવેલા ઢાંઢણી ગામે બની હતી. સવારે ૯:૪૪ વાગ્યે નાનામૌવા કંટ્રોલ રૂમની ઘંટડી રણકી હતી. ફોનની બીજી તરફથી ગામના સરપંચે અત્યંત ગભરાયેલા અવાજે માહિતી આપી હતી કે, ગામમાં બાબુભાઈ દરબારની વાડીની બાજુમાં આવેલા ઊંડા તળાવમાં એક યુવક ડૂબી ગયો છે. આ ગંભીર સંદેશો મળતા જ કંટ્રોલ રૂમ એક્શનમાં આવ્યો હતો અને તાત્કાલિક કોઠારીયા ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમને વિશેષ સાધનો સાથે ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તળાવ કિનારે લોકોના ટોળેટોળા ઉમટેલા હતા. પાણી ઊંડું અને નીચે કાદવનું સામ્રાજ્ય હોવા છતાં,

જાંબાઝ જવાનોએ જીવનું જોખમ ખેડીને તળાવના ઘાટા પાણીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત અને કલાકોની મથામણ બાદ આખરે યુવકના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક યુવકનું નામ શૈલેષભાઈ કીશાભાઈ ઠાકર હતું અને તેની ઉંમર માત્ર ૨૬ વર્ષની હતી. તેના સંબંધીના જણાવ્યા મુજબ તે મૂળ મહેસાણાનો વતની હતો અને અહીં રોજીરોટી માટે આવ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહને સ્થાનિક પોલીસ અને સરપંચની હાજરીમાં સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુવકના અકાળે અવસાનથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

  • ખોખડદળ ગામે ઊંડા કૂવામાં એક શ્વાન ખાબક્યું
  • ઊંડા કુવામાં કુતરું પડતા ફાયરની ટીમે સલામત બહાર કાઢ્યું
  • કૂવામાં ખાટલો અને દોરડા ઉતારીને અંદર શ્વાનને બચાવ્યો

જુનાગઢ બાયપાસ નવા રિંગરોડ પર આવેલા ખોખડદળ ગામેથી બીજા એક રેસ્ક્યુનો કોલ મળ્યો હતો. અહીં અવાવરુ અને ઊંડા કૂવામાં એક શ્વાન ખાબક્યું હોવાના સમાચાર મુખ્ય ફાયર સ્ટેશનને મળ્યા હતા. અબોલ જીવ છેલ્લા કેટલાય સમયથી કૂવાની અંદર ભેજવાળી અને અંધારી જગ્યામાં મોત સામે લડી રહ્યો હતો અને બહાર નીકળવા તરફડિયાં મારી રહ્યો હતો. આ અંગે માહિતી મળતા જ મુખ્ય ફાયર સ્ટેશનની ટીમ રેસ્ક્યુ કિટ સાથે ખોખડદળ ગામે પહોંચી હતી. જોકે કૂવો ઘણો ઊંડો હોવાને કારણે

શ્વાન સુધી પહોંચવું પડકારજનક હતું. ફાયરના જવાનોએ કૂવામાં ખાટલો અને દોરડા ઉતારીને અંદર જવા માટે આખી વ્યૂહરચના બનાવી હતી. એક બહાદુર જવાન કૂવાની અંદર ઉતર્યો હતો. કૂવામાં ફસાયેલું શ્વાન ઘણું ડરી ગયું હોવા છતાં, જવાને ખૂબ જ ધીરજપૂર્વક તેને વિશ્વાસમાં લીધું અને કાળજીપૂર્વક તેને દોરડા વડે બાંધીને ઉપર ખેંચી લીધું હતું. જ્યારે આ શ્વાનને હેમખેમ અને જીવતું બહાર કાઢવામાં આવ્યું ત્યારે ત્યાં હાજર ગ્રામજનોએ ફાયર બ્રિગેડની કામગીરીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.