Loading Please Wait !!!
રાજકોટ ડિવિઝનની માલ પરિવહન ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ

  • 20 રેકના રેકોર્ડ લોડિંગથી એક જ દિવસમાં 11.22 કરોડની આવક, અગાઉનો રેકોર્ડ તૂટ્યો
  • પેટ્રોલિયમ, એલપીજી, ફર્ટિલાઈઝર, મીઠું અને કન્ટેનર લોડિંગનું મહત્વનું યોગદાન

સીટી ન્યૂઝ@રાજકોટ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને માલ પરિવહન ક્ષેત્રે નવો ઈતિહાસ રચતા ૨૩ જૂન, ૨૦૨૬ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ માલ પરિવહન આવક મેળવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ડિવિઝને ૨૦ રેકના લોડિંગ સાથે ૧૧.૨૨ કરોડની આવક મેળવી અત્યાર સુધીનો સર્વોચ્ચ દૈનિક માલ પરિવહન કીર્તિમાન સ્થાપ્યો છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, અગાઉ ૨૭ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ૧૪ રેકના લોડિંગથી ૧૦.૬૦ કરોડની આવકનો રેકોર્ડ નોંધાયો હતો. હવે ૨૦ રેકના લોડિંગ સાથે તે રેકોર્ડને પાછળ છોડી નવો માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. આ સિદ્ધિમાં વિવિધ ઉદ્યોગોના માલસામાનના પરિવહનનું મહત્વનું યોગદાન રહ્યું હતું. ૨૩ જૂનના રોજ ૮ રેક પેટ્રોલિયમ ઉત્પાદનો, ૩ રેક એલપીજી, ૩ રેક ફર્ટિલાઈઝર, ૩ રેક મીઠું, ૨ રેક કન્ટેનર અને ૧ રેક સિમેન્ટનું લોડિંગ કરવામાં આવ્યું હતું. રિલાયન્સ રેલ ટર્મિનલ, નાયરા એનર્જી, GSFC, ટાટા કેમિકલ્સ, લવણાપુર, મોરબી અને શ્રી દિગ્વિજય સિમેન્ટ સહિતના ઔદ્યોગિક એકમો પરથી આ માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) દ્વારા ગ્રાહકો સાથે સતત સંવાદ, નવા ટ્રાફિકની ઓળખ અને ઝડપી સેવાઓ પૂરી પાડવાના પ્રયાસોને આ સફળતાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત કોમર્શિયલ, ઓપરેટિંગ, મિકેનિકલ, એન્જિનિયરિંગ અને ઈલેક્ટ્રિકલ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓના સંકલિત પ્રયાસોથી આ રેકોર્ડ સિદ્ધિ શક્ય બની છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજકોટ ડિવિઝને માલ પરિવહનમાંથી કુલ ૨૨૩૮.૩૪ કરોડની આવક નોંધાવી હતી. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ સિદ્ધિ બદલ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, બહેતર આયોજન, ગ્રાહક કેન્દ્રિત અભિગમ અને ટીમવર્કને પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ છે. તેમણે ભવિષ્યમાં પણ માલ પરિવહન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપવાની આશા વ્યક્ત કરી હતી.