Loading Please Wait !!!
રાજકોટનું ગૌરવ; સિદ્ધિએ શહેરનું માથું ઊંચું કર્યું

રાજકોટનો ફાસ્ટ બોલર મોહિતની ભારતીય અંડર-19 ટીમમાં પસંદગી

ભારતીય મહિલા અંડર-19 ટીમમાં બોટાદની ઓફ સ્પિનર અવનિ ચાવડા સિલેક્ટ

સીટી ન્યૂઝ@રાજકોટ

સૌરાષ્ટ્રના સ્પોર્ટ્સ પ્રેમીઓ અને ખેલજગતના નિષ્ણાતો માટે જૂન મહિનો અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સાબિત થયો છે. સૌરાષ્ટ્રના આંગણેથી એક સાથે બે-બે યુવા ખેલાડીઓએ પોતાની અદભુત રમતને જોરે ટીમ ઇન્ડિયાની બ્લુ જર્સી સુધીની સફર ખેડીને ઇતિહાસ રચી દીધો છે. બોટાદની આશાસ્પદ ઓફ-સ્પિનર અવનિ ચાવડાની ભારતીય મહિલા અંડર-૧૯ T20 ટીમમાં પસંદગી થઈ છે જ્યારે રાજકોટના જ ફાસ્ટ બોલર મોહિત ઉલ્વાએ ભારતીય મેન્સ અંડર-૧૯ વન-ડે ટીમમાં સ્થાન મેળવીને સૌરાષ્ટ્રનું નામ આખા દેશમાં ચમકાવ્યું છે.

મૂળ બોટાદની વતની અને જમશેરી પ્રતિભાશાળી ઓફ-સ્પિનર અવનિ ચાવડાએ સૌરાષ્ટ્રના મહિલા ક્રિકેટમાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. અવનિએ સ્થાનિક સ્તરે તમામ ફોર્મેટમાં પોતાની પકડ મજબૂત કરી છે. તેણે ટીમ સૌરાષ્ટ્ર તરફથી અલગ અલગ ફોર્મેટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. પોતાની ધારદાર સ્પિન બોલિંગના જોરે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરનારી સૌરાષ્ટ્રની પ્રથમ યુવા મહિલા ક્રિકેટરોમાંની એક બની ગઈ છે.

રાજકોટના સ્થાનિક ક્રિકેટ ગ્રાઉન્ડ્સમાંથી તૈયાર થયેલો મોહિત ઉલ્વા પ્રભાવશાળી ફાસ્ટ બોલર છે. મોહિતની ભારતીય અંડર-૧૯ વન-ડે ટીમમાં પસંદગી કોઈ અકસ્માત નથી, પરંતુ ડોમેસ્ટિક સિઝન ૨૦૨૫-૨૬માં તેના દમદાર અને સાતત્યપૂર્ણ પ્રદર્શનનું ઇનામ છે. કૂચ બિહાર ટ્રોફીની ૭ મેચમાં ૧૩૦ ઓવર ફેંકીને તેણે ૧૪ મહત્વની વિકેટો ઝડપી હતી, જ્યારે વિનુ માંકડ ટ્રોફીની ૮ મેચમાં ૧૧ વિકેટો લઈને પોતાની સ્પીડ અને લાઇન-લેન્થનો લોહ મનાવ્યો હતો.

રાજકોટના યુવાને 17,350 ઊંચું શિખર સર કર્યું : ‘નો ડ્રગ્સ’નો સંદેશ આપ્યો

હિમાચલ પ્રદેશની પીરપંજાલ પર્વતમાળામાં આવેલા આશરે ૧૭,૩૫૦ ફૂટ ઊંચા માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર પર રાજકોટના યુવા પર્વતારોહક કરણ સાકરિયાએ સફળતાપૂર્વક સમિટ પૂર્ણ કરીને શહેરનું ગૌરવ વધાર્યું છે.

ઇનવિઝિબલ NGO દ્વારા આયોજિત અને પ્રાયોજિત આ સાહસિક અભિયાનમાં અમદાવાદની ટીમના ૧૧ યુવા પર્વતારોહક જોડાયા હતા, જેમણે ૪ જૂન, ૨૦૨૬ના રોજ ચઢાણની શરૂઆત કરી હતી. બરફથી ઢંકાયેલા માર્ગો, ઓક્સિજનની અછત અને માઇનસ ડિગ્રી તાપમાન જેવા પડકારો વચ્ચે યુવાનોએ અડગ સંકલ્પશક્તિનું પ્રદર્શન કર્યું. પર્વતારોહકોએ શિખર પરથી યુવાનોને નશામુક્ત, સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા માટે 'નો ડ્રગ્સ' કેમ્પેઈનનો વિશેષ સંદેશ આપ્યો હતો.

યુવાનોએ છેલ્લા બે મહિનાથી સઘન તાલીમ મેળવી હતી, જેમાં રનિંગ, લોડ કેરીંગ અને માઉન્ટેનિયરિંગ ટેકનિકનો સમાવેશ થતો હતો. આ ટ્રેકિંગ ટીમમાં કરણ સાકરિયા ઉપરાંત પ્રિયાંક કાપડિયા, હર્ષિલ પારેખ, મિતેશ ચૌધરી, જય પટેલ, શ્રેય મેવાડા, ખુશાલ ગોંડલિયા, ભરત ધાવલી, અપૂર્વ કારિયા, આર્ય પટેલ અને કૃષ્ણરાજ નકુમ જોડાયા હતા.