કાલે ભગવાન નગરમાં પધારશે !
- રાજકોટમાં જગન્નાથ રથયાત્રા 26 કિમીનો માર્ગ, ખાસ આકર્ષક રાસ-અઘોરી મંડળી
- ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે
- 1800 જવાનોનો બંદોબસ્ત, ભક્તોમાં ઉત્સાહ છવાયો
સિટી ન્યૂઝ | રાજકોટ
રાજકોટમાં છેલ્લા ૧૯ વર્ષથી અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાની પરંપરા છે. આવતીકાલે ૧૬ જુલાઈએ નાના મવા સ્થિત જગન્નાથ મંદિરેથી આ ઐતિહાસિક રથયાત્રાનો મંગલ પ્રારંભ થશે. સવારે ૮ વાગ્યે રાજવી શ્રી માંધાતાસિંહ જાડેજાના હસ્તે શાસ્ત્રોક્ત પહિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે.
આ વર્ષે રથયાત્રામાં વૃંદાવનની રાસમંડળી, ઉજ્જૈનની અઘોરી મંડળી અને વિરાટ મહાકાળી માતાજીનો ફ્લોટ મુખ્ય આકર્ષણ રહેશે. રથયાત્રા સવારે ૮ વાગ્યે નીકળી ૨૬ કિ.મી. ના લાંબા રૂટ પર ભ્રમણ કરી સાંજે ૭ વાગ્યે નિજ મંદિરે પરત ફરશે. શ્રદ્ધાળુઓ માટે ૨૫૦ કિલો મગ અને ૧૫૦ કિલો ચણાના પ્રસાદનું વિતરણ થશે. યાત્રામાં સૌથી આગળ ડીજે, ત્યારબાદ રાસમંડળીઓ, મુખ્ય ત્રણ રથ (જગન્નાથજી, બલભદ્રજી, સુભદ્રાજી), પ્રસાદનો રથ અને સુશોભિત ફ્લોટ્સ જોડાશે. સવારે ૮:૩૦ વાગ્યાથી રથયાત્રા મોકાજી સર્કલ, કાલાવડ રોડ, પુષ્કરધામ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ, ત્રિકોણ બાગ, પેલેસ રોડ, સોરઠિયાવાડી સર્કલ અને મવડી રોડ થઈ નાનામૌવા ચોકડીથી નિજ મંદિરે પરત ફરશે. બપોરે ૧:૦૦ વાગ્યે માંધાતાસિંહના પેલેસ ખાતે રથયાત્રાનો વિરામ અને પ્રસાદ વિતરણ કરાશે.
રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શનમાં ૧૮૦૦ થી વધુ જવાનો તૈનાત રહેશે. DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું કે, આ બંદોબસ્તમાં ૪ DCP, ૬ ACP, ૨૩ PI અને ૯૧ PSI સહિત ૯૦૦ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, SRP અને TRB ના જવાનો જોડાશે. કોમી એકતા જાળવવા શાંતિ સમિતિની બેઠકો અને સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ પૂર્ણ કરાયું છે.
અફવાઓ રોકવા SOG, ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમની ટીમ એક્શન મોડમાં છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર સતત નજર રખાઈ રહી છે. કોમી વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ કે વિડીયો શેર કરનાર સામે તુરંત કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી ચેતવણી અપાઈ છે.
ત્રણેય રથ અને મગના પ્રસાદનું આધ્યાત્મિક મહત્વ જગન્નાથ મંદિરના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજીએ રથયાત્રાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, 'ભગવાન જગન્નાથજીનો રથ 'નંદીઘોષ' સમાનતાનો સંદેશ આપે છે. ભાઈ બલભદ્રજીનો રથ 'તાલધ્વજ' જીવનમાં હિંમત અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે, જ્યારે બહેન સુભદ્રાજીનો રથ 'દર્પદલન' અહંકારના નાશ અને વિનમ્રતાનું પ્રતીક છે. " રથ ખેંચવાના મહત્વ અંગે તેમણે જણાવ્યું કે, શાસ્ત્રોમાં માનવ શરીરને રથ સાથે સરખાવવામાં આવ્યું છે. રથનું દોરડું પકડવું એટલે ભગવાનના ચરણ પકડવા. આનાથી પાપોનો નાશ થાય છે અને જીવન ભગવાનના માર્ગદર્શન હેઠળ ચાલે છે. રથયાત્રા દરમિયાન ૫૦૦ કિલો ફણગાવેલા મગનો પ્રસાદ અપારો, જે સાદગી, પવિત્રતા અને સમાનતાનું પ્રતીક છે. તે દર્શાવે છે કે ભગવાનને વૈભવ કરતા નિષ્ઠા અને પ્રેમ વધુ પ્રિય છે