રાજકોટમાં વિજ સલામતી રેલીથી જનજાગૃતિનો સંદેશ
નાગરિકોને વિજ સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં તા. ૨૬ જૂનથી ૨ જુલાઈ દરમિયાન ઉજવાયેલા ‘Today’s Awareness, Tomorrow’s Prevention’ થીમ આધારિત સલામતી સપ્તાહ અંતર્ગત ગુરુવારે પીજીવીસીએલ શહેર વર્તુળ કચેરી દ્વારા વિજ સલામતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો મુખ્ય હેતુ નાગરિકોમાં વિજ સલામતી અંગે જાગૃતિ લાવવાનો અને સલામતી સમાજના નિર્માણ માટે સલામતીના નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવાનો હતો.
અધિક્ષક ઈજનેર ટી. એન. વોરાના માર્ગદર્શન હેઠળ શહેર વર્તુળ કચેરી, નાના મવા રોડ ખાતેથી પ્રસ્થાન કરેલી રેલી રાજનગર ચોક, પંડિત દીનદયાળ રોડ, અમીન માર્ગ, પંચાયતી મેઈન રોડ, અતિથિ ચોક અને લક્ષ્મીનગર ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પરત શહેર વર્તુળ કચેરી ખાતે પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન વિજ સલામતી અંગેના સૂત્રોચ્ચારો, બેનરો અને જનજાગૃતિ સંદેશ દ્વારા લોકોને વિજ ઉપકરણોના સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા, વિજ અકસ્માતોથી બચવા તથા સલામતીના નિયમોનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે પીજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિતોએ વિજ સલામતીને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવા અને સુરક્ષિત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.