Loading Please Wait !!!
રાજકોટથી હરિદ્વારની કાયમી ટ્રેન માટે સાંસદની રજૂઆત

  • રેલવે કનેક્ટિવિટી પર ભાર : લાંબા અંતરની ટ્રેનો અને મુસાફરોની સુવિધાઓ માટે ચર્ચા
  • રાજકોટમાં આજે રેલવે ડિવિઝનની મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ ખાતે ભાવનગર અને રાજકોટ રેલવે ડિવિઝનની એક અત્યંત મહત્વપૂર્ણ અને ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ ઝોનના રેલવેના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સૌરાષ્ટ્ર વિસ્તારના વિવિધ રેલવે પ્રશ્નો, લાંબા અંતરની નવી ટ્રેનો શરૂ કરવા, તેમજ મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અંગે વિગતવાર અને ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક મુખ્યત્વે સૌરાષ્ટ્રના સંસદીય વિસ્તારોના લોકપ્રશ્નોને વાચા આપવા માટે યોજાઈ હતી, જેમાં રાજકોટ, જૂનાગઢ અને જામનગર સહિતના વિસ્તારોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ તકે રાજકોટથી હરિદ્વારની કાયમી ટ્રેનની માંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ મહત્વની બેઠકમાં રાજકોટ અને જૂનાગઢ સંસદીય મતવિસ્તારના સાંસદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રેલવે પ્રશાસન સમક્ષ સ્થાનિક જનતાની પડતર માંગણીઓનો ચિતાર રજૂ કર્યો હતો. બેઠકમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, રાજેશ ચુડાસમા, કેસરીદેવસિંહ ઝાલા તેમજ રામભાઈ મોકરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ જનપ્રતિનિધિઓએ એકસૂરે સૌરાષ્ટ્રના રેલવે કનેક્ટિવિટીના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે રેલવેના પશ્ચિમ ઝોનના વડા અને અન્ય ઉચ્ચ અધિકારી સમક્ષ ભારપૂર્વક રજૂઆતો કરી હતી. સૌરાષ્ટ્રના સર્વાંગી વિકાસ અને યાત્રાળુઓની સુવિધા માટે બેઠક આગામી દિવસોમાં ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે.

સૌરાષ્ટ્રના પ્રશ્નો મામલે યોજાયેલી આ બેઠક સંદર્ભે સાંસદ પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ભારત અને ખાસ કરીને ધાર્મિક સ્થળ હરિદ્વાર જવા માટે દર વર્ષે લાખો મુસાફરો મુસાફરી કરતા હોય છે. રાજકોટથી હરિદ્વાર જવા માટે એક કાયમી ટ્રેન ફાળવવામાં આવે તેવી સ્થાનિક જનતા અને ધાર્મિક સંગઠનો દ્વારા વર્ષોથી ખૂબ જ મોટી માંગણી કરવામાં આવી રહી છે. આ કાયમી ટ્રેનની વર્ષો જૂની માંગ અંગે આ બેઠકમાં ખૂબ જ વિસ્તૃત અને ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક પૂર્ણ થયા બાદ સાંસદ પરસોત્તમ રૂપાલાએ રેલવેની કામગીરી અને પ્રક્રિયા અંગે ખુલ્લા મને વાત કરી હતી. રૂપાલાએ સ્વીકાર્યું હતું કે રેલવે તંત્રના પ્રશ્નો ખૂબ જ જટિલ અને ટેકનિકલ પ્રક્રિયાઓથી ભરેલા હોય છે, કારણ કે તેમાં ટ્રેક ક્ષમતા, ટાઇમ ટેબલનું મેનેજમેન્ટ, સ્લોટની ઉપલબ્ધતા અને સુરક્ષા જેવા અનેક પાસાઓ સંકળાયેલા હોય છે. કોઈપણ નવી ટ્રેન શરૂ કરવી કે રૂટ લંબાવવો એ રાતોરાત શક્ય બનતું નથી અને તેમાં લાંબી વહીવટી પ્રક્રિયાઓ થતી હોય છે. જોકે પ્રક્રિયા ભલે જટિલ હોય પરંતુ જનતાના આ મહત્વના પ્રશ્નોનું નિરાકરણ જલ્દીથી અને સમયસર થઈ જાય તે જ અમારી અને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

ઉલ્લેખનીય છે કે, રૂપાલાએ દાવો કર્યો છે કે, જનતાના પ્રતિનિધિ તરીકે અમે તો રેલવે બોર્ડ અને કેન્દ્રીય રેલવે મંત્રાલય સુધી આ તમામ મુદ્દાઓ પર સતત ફોલોઅપ લેતા રહીશું. જોકે હાલનાં તબક્કે તો રેલવેના ઉચ્ચ અધિકારી અને લોકપ્રતિનિધિઓ વચ્ચે આ મહત્વની બેઠક યોજાઈ ગઈ છે. અને તમામ પ્રશ્નો કાગળ પર રજૂ કરાયા છે. પરંતુ હવે ખરેખર સાચા અર્થમાં સૌરાષ્ટ્રની જનતાની આ ટ્રેન માટેની વર્ષો જૂની માંગણીઓ ક્યારે સંતોષાશે? એ તો આવનારો સમય જ બતાવશે.

  • મોટાભાગના સાંસદોએ સૌરાષ્ટ્રમાં રેલવે કનેક્ટિવિટીના પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી
  • અમદાવાદ સુધીની ૬ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવાની રજૂઆત

આજની બેઠકમાં માત્ર નવી ટ્રેનો જ નહીં, પરંતુ હાલમાં કાર્યરત ટ્રેનોના રૂટ લંબાવવા અંગે પણ ખૂબ જ મહત્વના નિર્ણયો અને રજૂઆતો કરવામાં આવી હતી. બેઠકમાં સાંસદો દ્વારા રેલવે પ્રશાસન સમક્ષ સત્તાવાર રીતે એવી માંગણી કરાઈ છે કે, દેશના અન્ય રાજ્યો અને શહેરોમાંથી હાલમાં વાયા અમદાવાદ થઈને માત્ર અમદાવાદ સુધી જ આવતી હોય તેવી મહત્વની ૬ જેટલી ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવે. જો આ ૬ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની મંજૂરી રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવે, તો સૌરાષ્ટ્રના કેન્દ્ર સમાન રાજકોટ શહેરને દેશના અન્ય ભાગો સાથે સીધી કનેક્ટિવિટી મળી જશે.