વડતાલધામના પૂજ્ય શ્યામ સ્વામીને હજારો સંતો-હરિભક્તોની ભાવભીની શ્રદ્ધાંજલિ
» વડતાલ મંદિરમાં 1000 થી વધુ સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ સભા યોજાયી
» માત્ર 40 વર્ષની વયે અક્ષરનિવાસી થયેલા ‘મેનેજમેન્ટ ગુરુ’ ને અપાયું ‘સેવામૂર્તિ સંત’નું બિરુદ
સિટી ન્યૂઝ@વડતાલ
સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય ગાદી વડતાલધામના આસિસ્ટન્ટ કોઠારી અને ‘મેનેજમેન્ટ ગુરુ’ તરીકે જાણીતા પૂજ્ય શ્યામવલ્લભદાસજી સ્વામીના અકાળે નિધનથી સમગ્ર સત્સંગ સમાજમાં ભારે શોક વ્યાપી ગયો છે. ગત ૨૭ મે ૨૦૨૬ ના રોજ વડતાલ ખાતે ૧૦૦૦ થી વધુ સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં તેઓની વિશાળ શ્રદ્ધાંજલિ સભા યોજાયી હતી, જેમાં સૌ કોઈની આંખો ભીની થઈ હતી અને ભારે હૈયે સૌએ સ્વામીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
માત્ર ૬ વર્ષની નાની વયે વડતાલ આવી ૧૧ વર્ષની ઉંમરે સંત દીક્ષા લેનાર શ્યામ સ્વામીએ ૪૦ વર્ષ અને ૩૪ દિવસના ટૂંકા આયુષ્યમાં અદ્ભુત સેવા અને સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સંપ્રદાયના મોટા ઉત્સવો અને સમૈયાઓના આયોજન પાછળ તેમની માઇક્રો-પ્લાનિંગની શક્તિ કામ કરતી હતી. વડતાલનો ૮૦ ટકા વહીવટ તેમની કુનેહ અને મહેનતથી તેમના બાંકડેથી ચાલતો હતો. તેમના નિધનથી આશ્રિતોએ એક સાચા માર્ગદર્શક ગુમાવ્યા છે. તેમના અથાક સેવાકાર્યોને બિરદાવી વડતાલધામના સંતો અને હરિભક્તો દ્વારા તેમને ‘સેવામૂર્તિ સંત’ નું વિશેષ બિરુદ આપવામાં આવ્યું છે.
સભામાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું કે પૂજ્ય શ્યામ સ્વામીએ જે રાજીપો રળ્યો છે તે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ છે. કુંડલધામના સદ્ગુરુ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ તેમના નામ આગળ ‘અક્ષરનિવાસી’ ના બદલે ‘સર્વજન દિલ નિવાસી’ લગાવવાનું ઉચિત ગણાવ્યું હતું. વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ ભાવુક થતા કહ્યું કે, “કોઈએ શિષ્ય ગુમાવ્યા તો કોઈએ ગુરુ, પરંતુ મેં મારું સર્વસ્વ ગુમાવ્યું છે.”
આ ઉપરાંત પૂજ્ય નીલકંઠચરણદાસજી સ્વામી, પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય હરિવલ્લભદાસજી, પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી અને પૂજ્ય બાલ સ્વામી સહિતના સંપ્રદાયના વરિષ્ઠ સંતોએ સ્વામીના સંસ્કાર સિંચન, વિઝનરી અભિગમ અને નિર્માણીપણાને આંસુઓ સાથે યાદ કર્યા હતા.
આ શ્રદ્ધાંજલિ સભામાં કેબિનેટ મંત્રી રમણ સોલંકી, પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજ દેસાઈ અને ભાજપ અગ્રણી ચેતન રામાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે સ્વામીના નિર્દોષ હાસ્યથી સકારાત્મક ઊર્જા મળતી હતી.
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ પરષોત્તમ રૂપાલા, મંત્રીઓ ડો. પ્રધુમન વાજા, કુંવરજી બાવળિયા, પ્રવીણ માલી, સંજયસિંહ મહિડા, પ્રફુલ પાનશેરિયા, કૌશિક વેકરિયા, ધર્મેશ મહેતા અને કીર્તિ ભટ્ટ સહિતના મહાનુભાવોએ ટેલિફોનિક તથા પત્રના માધ્યમથી પોતાના શાબ્દિક શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. અંતમાં ઉપસ્થિત તમામ સંતો-મહંતોએ શ્રી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરી શ્યામ સ્વામીને અક્ષરધામનું અખંડ સુખ મળે તેવી મંગલ કામના કરી હતી.