Loading Please Wait !!!
અષાઢી બીજે SGVP ગુરુકુળ વાવડીથી મવડી સુધી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે

  • ગુરુદેવ ધર્મજીવનદાસજી સ્વામીની 125મી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા; ભક્તોને જોડાવા ભાવભર્યું આમંત્રણ

 

સિટી ન્યૂઝ | રાજકોટ

અષાઢી બીજના પાવન અવસરે SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રિબડા દ્વારા SGVP વાવડી ગુરુકુળથી શ્રી સ્વામિનારાયણ મંદિર, SGVP મવડી સુધી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગુરુકુળના આદ્ય સંસ્થાપક ધર્મજીવનદાસજી સ્વામીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે રથયાત્રા સાથે ભવ્ય શોભાયાત્રા પણ યોજાશે.

આયોજન SGVP ગુરુકુળ વાવડીના સંકલન સાથે વિશ્વ હિન્દુ પરિષદ ધર્મજાગરણ સમન્વય, સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ, હિન્દુ જાગરણ મંચ, શ્રી સ્વામિનારાયણ મંદિર SGVP મવડી, મુખ્ય મંદિર રાજકોટ, ખોડલધામ શિક્ષણ પાંખ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અને ભારત વિકાસ પરિષદ સહિતની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે.

મુખ્ય આયોજન સમિતિના અધ્યક્ષ ધર્મવલ્લભદાસજી સ્વામી, કન્વીનર રાજદીપસિંહ જાડેજા અને સહ-કન્વીનર કમલેશભાઈ દવેના માર્ગદર્શન હેઠળ આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રાના સુચારુ આયોજન માટે વિવિધ પેટા સમિતિઓ અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે.

રથયાત્રા અષાઢી બીજના દિવસે બપોરે ૩:૩૦ વાગ્યે SGVP વાવડી ગુરુકુળથી પ્રસ્થાન કરશે. તે પહેલાં બપોરે ૨:૪૫થી ૩:૩૦ દરમિયાન મામેરા વિધિ તથા ભગવાન જગન્નાથજીને અન્નકૂટ ધરાવવામાં આવશે અને તેનો પ્રસાદ ભક્તોને અપાશે. પહિંદ વિધિમાં મેયર નેહલભાઈ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, સાંસદ રામભાઈ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિતભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

રથયાત્રા વાવડી ગુરુકુળથી વાવડી ગેટ, જય ભારત પ્રાથમિક શાળા, આસોપાલવ ટ્રાયએંગલ, ખોડલ ચોક, રાણી ચોક, જય સરદાર ચોક, શિલ્પન એરિસ્ટા, સંસ્કાર સિટી, બાપા સીતારામ ચોક અને મવડી ચોકથી થઈને SGVP મવડી મંદિર ખાતે પહોંચશે, જ્યાં મહાઆરતી સાથે સમાપન થશે. રથયાત્રાના સમગ્ર રૂટ પર વિવિધ સોસાયટીઓ દ્વારા ભગવાનનું રથનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવશે. ભક્તો માટે ઠંડું પાણી, શરબત, જ્યુસ તેમજ મગ, ફાફડી અને ખાખરાના મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. પરંપરાગત ઢોલ-નગારા, ભક્તિ સંગીત અને શોભાયાત્રાના આકર્ષક રથો સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવશે.

SGVP ગુરુકુળ પરિવારે તમામ ધર્મપ્રેમી નાગરિકોને પરિવાર સાથે રથયાત્રામાં જોડાઈ ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લેવા અને રથના દોરડા ખેંચી પુણ્યનો લાભ મેળવવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.