સાંઢિયા પુલ બન્યો આફત ખોટો ઢાળ ૨૫૦ ઘર જોખમમાં?
■ એન્જિનિયરિંગની ભૂલ કે બેદરકારી? ૩ મિનિટમાં વરસાદમાં ગોઠણડૂબ પાણી ભરાયા
■ વર્ષોથી જ્યાં પાણી ભરાવવાની કોઈ સમસ્યા નહોતી ત્યાં હવે તંત્રની ગંભીર બેદરકારીને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ
■ તંત્રને રહેવાસીઓએ ચેતવણી આપી હતી કે આ ઢાળ ખોટો છે પણ ત્યાં આ તકલીફ ધ્યાને લેવામાં આવી ન હતી
સિટી ન્યૂઝ | રાજકોટ
જામનગર રોડ, વોર્ડ નંબર ૩ માં તાજેતરમાં જ કરોડોના ખર્ચે બનેલો નવો સાંઢિયા પુલ સ્થાનિક રહીશો માટે આશીર્વાદ બદલે આફત સમાન સાબિત થઈ રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ માત્ર ત્રણ થી ચાર મિનિટના સામાન્ય વરસાદી ઝાપટામાં આખો વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. પુલ પરથી ધોધની જેમ વહીને આવતું પાણી સીધું જ હુડકો ક્વાર્ટર્સ અને પરસાણા સોસાયટીના રહેણાંક વિસ્તારમાં ઘુસી રહ્યું છે. વર્ષોથી જે વિસ્તારમાં ક્યારેય પાણી ભરાવવાની સામાન્ય સમસ્યા પણ નહોતી, ત્યાં તંત્રની ગંભીર બેદરકારીને કારણે આજે ચોમાસુ શરૂ થતાં જ લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે.
સ્થાનિક લોકોના આક્રોશ મુજબ, જ્યારે આ પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે જ જાગૃત નાગરિકોએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓને પુલના ઢાળ બાબતે સ્પષ્ટ રજૂઆત કરી હતી. રહીશોએ માંગ કરી હતી કે પુલનો ઢાળ સહેજ કોસમાં રાખીને બાજુમાં આવેલા સરકારી વોકળા (નાળા) તરફ આપવામાં આવે, જેથી વરસાદી પાણીનો સીધો નિકાલ થઈ જાય. પરંતુ અંધારામાં તીર ચલાવતા તંત્રએ જનતાની વ્યાજબી રજૂઆતને સાવ નજરઅંદાજ કરીને પુલનો આખો ઢાળ સીધો સોસાયટી તરફ ઢાળી દીધો. એન્જિનિયરોની આ અણઆવડતના લીધે આજે ૨૫૦ થી ૩૦૦ જેટલા મકાનોમાં રહેતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર ચોમાસા દરમિયાન પૂરનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. રહેવાસીઓએ હવે આરપારની લડાઈના મૂડમાં આવીને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ તાત્કાલિક ધોરણે આ સ્થળની મુલાકાત લેવાની ઉગ્ર માંગ કરી છે. લોકોનું કહેવું છે કે જો માત્ર બે-ત્રણ મિનિટના ઝાપટામાં આટલી વિકટ સ્થિતિ સર્જાતી હોય, તો જો ૨૪ કલાક સતત ભારે વરસાદ પડશે તો જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે. હજુ પણ સમય છે કે તંત્ર જાગે, પોતાની ભૂલ સ્વીકારે અને પુલના ઢાળને તાકીદે વોકળા તરફ વાળીને સ્થાનિકોને આ માનવસર્જિત મુસીબતમાંથી કાયમી છુટકારો અપાવે.