સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ‘કચરાપેટી’!
- B.A. M.A.ના એક્સટર્નલના 3000 વિદ્યાર્થીઓ પરીક્ષાની રાહમાં
- પરીક્ષા નહીં, પરિણામ નહીં, બેદરકારીથી વિદ્યાર્થીઓ સંકટમાં
સિટી ન્યૂઝ@રાજકોટ
કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રધુમનભાઈ વાજાને ઈમેઈલ મારફત રજૂઆત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન વ્યવસ્થાની ગંભીર વહીવટી અવ્યવસ્થા અંગે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે એક્સટર્નલના સ્નાતક કોર્ષ બી.એ. (B.A.) તેમજ અનુસ્નાતક કોર્ષ એમ.એ. (M.A.) સેમેસ્ટર-૧ની પરીક્ષાઓ નોંધણી થયાના લગભગ એક વર્ષ બાદ પણ યોજાઈ નથી. સામાન્ય રીતે એક સેમેસ્ટરની પરીક્ષા પાંચથી છ મહિનામાં યોજાતી હોવા છતાં લગભગ આઠ મહિના બાદ પણ પરીક્ષા ન લેવાતા હજારો વિદ્યાર્થીઓનું એક શૈક્ષણિક વર્ષ બગડવાની સ્થિતિ સર્જાઈ છે.
આજે શૈક્ષણિક વર્ષ એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમેસ્ટર-૩ની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે, જ્યારે એક્સટર્નલના B.A., M.A. ના વિદ્યાર્થીઓએ હજુ સેમેસ્ટર-૧ની પરીક્ષાઓ પણ આપી નથી. આ સ્થિતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર વહીવટી નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓનું એક આખું શૈક્ષણિક વર્ષ જોખમમાં મુકાયું છે.
રજૂઆતમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રેગ્યુલર પરીક્ષાઓના અંદાજે ૭૦થી વધુ પરિણામો હજુ જાહેર કરવાના બાકી છે, જ્યારે રી-એસેસમેન્ટના મોટા ભાગના પરિણામો પણ જાહેર થયા નથી એટલે અંદાજે ૧૦૦ જેટલા પરિણામો લાંબા સમયથી પેન્ડિંગ છે. પરિણામોમાં થતા લાંબા વિલંબના કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ભરતી પ્રક્રિયાઓ અને અન્ય શૈક્ષણિક તકોમાં ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.
રોહિતસિંહ રાજપૂતે રજૂઆતમાં મૂલ્યાંકન પ્રક્રિયામાં રહેલી ગંભીર ખામીઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે જવાબવહીઓનું યોગ્ય અને ગુણવત્તાસભર મૂલ્યાંકન ન થવાના કારણે અનેક મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય થાય છે અને તેમને રી-ચેકિંગ તથા રી-એસેસમેન્ટ માટે વારંવાર અરજી કરવાની ફરજ પડે છે. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા લગભગ પાંચ વર્ષથી વિવિધ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ હાજરી આપ્યા છતાં પરિણામમાં તેમને ગેરહાજર (Absent) દર્શાવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ પ્રકારની વહીવટી ભૂલના કારણે વિદ્યાર્થીઓને પોતાની હાજરી સાબિત કરવા માટે કોલેજ અને પરીક્ષા કેન્દ્રમાંથી પ્રમાણપત્ર મેળવી અનેક વખત યુનિવર્સિટીના ધક્કા ખાવા પડે છે, છતાં આજદિન સુધી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
રોહિતસિંહ રાજપૂતે શિક્ષણમંત્રીને માંગ કરી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવામાં આવે, સમયબદ્ધ શૈક્ષણિક કેલેન્ડરનો કડક અમલ સુનિશ્ચિત કરવામાં આવે, હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેમજ વહીવટી બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. તેમણે વધુમાં માંગ કરી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયા પારદર્શક, સમયસર અને સુવ્યવસ્થિત રીતે થાય તે માટે શિક્ષણ વિભાગના કોઈ વરિષ્ઠ અધિકારીને વિશેષ જવાબદારી સોંપી નિયમિત દેખરેખની વ્યવસ્થા કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.