Loading Please Wait !!!
શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર એમપી અને દાહોદની ત્રિપુટી ઝડપાઈ

રોકડા 43 લાખ, 25 લાખના દાગીના, બોલેરો, બે ચોરાઉ બાઈક, રાયફલ સહીત 77 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો: મુખ્ય સુત્રધાર સહિત પાંચ શખ્સોની શોધખોળ

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ નજીક ગોંડલ હાઈવે પર આવેલ શાપર મુકામે સપ્તાહ પૂર્વે રાજવી પરિવારના ૭૭ વર્ષીય વૃદ્ધના ઘરમાં ઘૂસી, બંધક બનાવી છ બુકાનીધારી શખ્સો ર.૪૯ કરોડની ફિલ્મી ઢબે લૂંટ કરી નાસી ગયા હતા આ ઘટનામાં લૂંટારુઓને પકડવા ગ્રામ્ય પોલીસની ૨૦થી વધુ ટીમો દોડાવી હતી અને ડમ્પ ડેટાના આધારે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે ગ્રામ્ય પોલીસે ત્રિપુટીની ધરપકડ કરી રોકડ, દાગીના, રાયફલ, બોલેરો, બાઈક સહિત ૭૬,૮૧,૨૭૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મુખ્ય સૂત્રધાર સહીત વધુ ૫ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો અંગે જોઈએ તો ગત તા. ૧૯ ના શાપરમાં રહેતાં રાજવી પરીવારના જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરે નિંદ્રાધીન હતાં. ત્યારે રાતે બે વાગ્યાની આસપાસ ત્રાટકેલ ધાડપાડુ ગેંગે વૃદ્ધ રાજવીને બંધક બનાવી રોકડ રૂ.૨.૪૭ કરોડ, સાત તોલા સોનાના ઘરેણાં, રાયફલ, મોબાઈલ સહિત ૨.૪૯ કરોડની માતબર લૂંટનો બનાવ બન્યો હતો જે બનાવની ગંભીરતા જોઈ રેન્જ આઈજી બિલિર્મ રાય અને એસપી વિજયસિંહ ગુર્જર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને ડોગ સ્ક્વોર્ડ, એફએસએલ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો હતો.

જ્યારે રૂરલ એલસીબી, એસઓજી, સ્થાનીક પોલીસ, રેન્જ આઈજીની ટીમ અને સાથે સાથે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી પોલીસે ઘટનાસ્થળ અને ભાગવાના રૂટ પર સક્રિય તમામ શંકાસ્પદ મોબાઈલ નંબરોનું લોકેશન ટ્રેસની સાથે લૂંટના સમયે થયેલા ઈન્ટરનેટ કોલિંગ અને શંકાસ્પદ કમ્યુનિકેશન પર નજર રાખી તપાસ આદરી હતી. પોલીસ સીસીટીવી સહીતની ચકાસણી કરતી દાહોદ અને એમપી સુધી પહોંચી હતી. દરમિયાન ચકચારી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં પીઆઇ એ.બી.જાડેજા અને એલસીબી પીએસ એચ.સી.ગોહિલ અને ટીમને સફળતા મળી હતી પોલીસે એમપીના બનસીંગ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ, દાહોદના સેતાન દીવાનભાઈ અમલિયાર અને દિનેશ સેતાનભાઈ પરમારની ધરપકડ કરી ત્રણેય પાસેથી ૪૩,૧૮,૫૦૦ રોકડા, લૂંટમાં ગયેલા ૨૧,૨૨,૩૮૦ના દાગીના, અન્ય ૪,૧૭,૬૯૦ના દાગીના ઉપયોગમાં લીધેલી ૭ લાખની બોલેરો, ૨૭૦૦ના હથિયાર, ગુનામાં ગયેલી રાયફલ, ૧૫ હજારના ૩ ફોન અને ૨ ચોરાઉ બાઈક સહીત ૭૬,૮૧,૨૭૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર એમપીના કલમસિંગ ઉર્ફે કમલસીંગ માવજીયા સિંગાડ, કરણસીંગ ઉર્ફે મડિયા હેમરાજ સિંગાડ, મહોબત, સુલસુલા બામણીયા, વિજન માવીની શોધખોળ હાથ ધરી છે. રેન્જ આઈજી બિલિર્મ રાયએ રાજકોટ ગ્રામ્ય એલસીબી, એસઓજી, શાપર પોલીસ મથકના પીઆઇ, પીએસઆઇ સહિતના તમામ સ્ટાફને પડકારરૂપ કેસ ડિટેક્ટ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે પકડાયેલા તમામ આરોપીઓ ગંભીર ગુનાઓ આચર્યા હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બન્ના સામે બે કેસ,આ સેતાન સામે ૭ કેસ અને દિનેશ સામે ૨ કેસ નોંધાયા છે.

શાપરમાં રહેતાં પૂર્વ શ્રમિકે ટીપ આપી’તી

શાપરમાં વૃદ્ધ ઘરમાં એકલા રહે છે તેવી જાણ તસ્કર ગેંગને હોવાની પોલીસને શંકા હતી. ત્યારે આરોપીઓની ધરપકડ થયાં બાદ પૂછપરછ કરતા શાપરમાં મજૂરી કરતા પૂર્વ શ્રમિકે જ ૭૭ વૃદ્ધને ટાર્ગેટ કરવાનો પ્લાન ઘડ્યો હતો. શાપરમાં રહેતા શખ્સોએ રાજવી પરિવારના વૃદ્ધ અને બંગલાની પૂરેપૂરી રેકી કરી હતી. બાદમાં તેમણે એમપીની ગેંગને ટીપ આપી બોલાવી હતી જે બાદ એમપી અને દાહોદના શખ્સોની ટોળકીએ શાપર ખાતે આવી લૂંટને અંજામ આપ્યો હતો.

અંજામ આપી ભાગબટાઈ કરી લીધી : ફરાર આરોપી પાસે મોટી મતા

શાપર ચકચારી લૂંટના બનાવનો ભેદ ઉકેલાયો છે. ત્યારે રૂરલ પોલીસ રૂ.૨.૪૭ કરોડની રોકડમાંથી ફક્ત ૪૩ લાખની જ રોકડ રિકવર કરી શકી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીઓ લૂંટને અંજામ આપ્યા બાદ રસ્તામાં ભાગ પાડી લીધા હતા. જેથી હજુ ફરાર ૩ આરોપીઓ પાસે રોકડ રકમ મોટા પ્રમાણમાં હોવાની શક્યતા સેવાઈ રહી છે.