Loading Please Wait !!!
સુરતનો 'ગર્ભહત્યારો' ફાર્માસિસ્ટ આખરે જેલભેગો: આંજણા ફાર્મ પાસેથી ધરપકડ

  • ડૉક્ટરની ડિગ્રી વગર ચલાવતો હતો 'મોતની હાટડી'; ₹15,000 માં દીકરીઓનો ગર્ભપાત.
  • કાયદાનો જરાય ડર નહીં; અગાઉ 'શિવાય' ના નામે ગર્ભપાત કરતા ઝડપાયો હતો.
  • CDHO ડૉ. અનિલ પટેલની કામગીરી સામે ગંભીર સવાલો; તપાસ થાય તો મિલીભગત બહાર આવે તેવી આશંકા.

સિટી ન્યુઝ @ સુરત :  સુરતના વરાછા વિસ્તારમાં ડૉક્ટરની ડિગ્રી ન હોવા છતાં ગર્ભમાં જ બાળકીઓની હત્યા કરનાર ફરાર ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલની આજે (8 May) પોલીસે આંજળા ફાર્મ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપી રામગોપાલ 'મમતા હોસ્પિટલ' ના નામે ગેરકાયદે ગર્ભપાતનું મોટું નેટવર્ક ચલાવતો હતો. આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન આ લેભાગુ તબીબના કાળા કારનામા જોઈને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

જેલમાંથી છૂટતા જ ફરી 'મોતની હાટડી' ખોલી ચોંકાવનારી બાબત એ છે કે, આરોપી રામગોપાલ નવેમ્બર 2025 માં પણ 'શિવાય હોસ્પિટલ' ના નામે આ જ પ્રકારની પ્રવૃત્તિ કરતા ઝડપાયો હતો. તે સમયે તેની સામે ફોજદારી ગુનો નોંધાયો હતો અને તે જેલ પણ ગયો હતો. જોકે, કાયદાના ડર વગર જેલમાંથી છૂટ્યાના માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં તેણે તે જ જૂના સ્થળે 'મમતા હોસ્પિટલ' નું નવું બોર્ડ લગાવીને ફરીથી ગેરકાયદે ગર્ભપાત શરૂ કરી દીધો હતો. તે ₹10,000 માં ઘરે જઈને ગર્ભ પરીક્ષણ અને ₹15,000 માં અસુરક્ષિત રીતે ગર્ભપાત કરી આપવાની સુવિધા પૂરી પાડતો હતો.

આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા સામે સવાલો રામગોપાલના આ કાળા કારનામાની ચર્ચા મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી ફેલાયેલી હતી અને પરપ્રાંતની સગર્ભાઓ અહીં આવતી હતી. આટલી મોટી પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં સુરત જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. અનિલ પટેલ અને તેમની ટીમ સાવ અજાણ હોય તે બાબત શંકા ઉપજાવે છે. જેની ચર્ચા પાડોશી રાજ્યોમાં હોય તેનાથી સ્થાનિક તંત્ર કેમ અજાણ રહ્યું તે ચર્ચાનો વિષય બન્યો છે. ડૉ. અનિલ પટેલના કાર્યકાળમાં શંકાસ્પદ હોસ્પિટલો સામે કેમ કડક કાર્યવાહી નથી થઈ રહી, તે અંગે હવે તપાસની માંગ ઉઠી છે.

પોલીસ તપાસ તેજ આરોગ્ય વિભાગે થોડા દિવસો પહેલા 'મમતા મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ' માં દરોડા પાડીને પોર્ટેબલ સોનોગ્રાફી મશીન અને ગેરકાયદે ગર્ભપાતનો ખુલાસો કર્યો હતો, ત્યારબાદ રામગોપાલ ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે તેની ધરપકડ કરી છે અને તેની કડક પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય એજન્ટો અને જે લોકો તેને મદદ કરી રહ્યા હતા તેમના નામ પણ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

પોલીસ હવે રામગોપાલના રિમાન્ડ મેળવીને તેની સમગ્ર કુંડળી ખંગાળશે. એક સામાન્ય ફાર્માસિસ્ટ થઈને તે કઈ રીતે આટલી હિંમત સાથે ગર્ભમાં દીકરીઓની હત્યાનું પાપ કરી રહ્યો હતો, તે પાછળ કયા મોટા માથાના આશીર્વાદ છે તે પણ તપાસનો વિષય છે. તંત્ર દ્વારા હવે આવી અન્ય શંકાસ્પદ હોસ્પિટલો સામે પણ કડક ઝુંબેશ ચલાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.