સુરતમાં પડોશીઓના ત્રાસની પરાકાષ્ઠા: 'આજે મારી સહનશક્તિ ખૂટી ગઈ' કહી મહિલાનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ!
- પાસોદરામાં કચરો નાખવા જેવી નજીવી બાબતે વિવાદ વકર્યો - રડતા-રડતા વીડિયો બનાવી પી લીધું ફિનાઈલ.
- અલ્પા ટાંક અને નિલેશ પરમાર સહિત 3 સામે ફરિયાદ - 'ટાંટિયા ભાંગી નાખવાની' ધમકીથી મહિલા ફફડી ગઈ હતી
- વોટ્સએપ ગ્રુપમાં વીડિયો મૂકતા મામલો બિચક્યો - લસકાણા પોલીસે BNS હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી
સુરતના પાસોદરા વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. પડોશમાં રહેતા લોકોના સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક 32 વર્ષીય મહિલાએ ફિનાઈલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. આત્મઘાતી પગલું ભરતા પહેલા મહિલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તે રડતા-રડતા પોતાની વેદના ઠાલવતી જોવા મળી રહી છે.
નજીવી બાબતે 6 મહિનાથી ટોર્ચર મહિલાની ફરિયાદ મુજબ, આ વિવાદની શરૂઆત છ મહિના પહેલા બિલ્ડિંગની લોબીમાં કચરો વાળવા જેવી સામાન્ય બાબતે થઈ હતી. પડોશી અલ્પા ટાંક અવારનવાર પોતાનો કચરો વાળીને મહિલાના ઘર પાસે નાખી દેતી હતી. જ્યારે મહિલાના પતિએ આ હરકતનો વીડિયો બનાવી સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો, ત્યારે મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
"ટાંટિયા ભાંગી નાખીશ" તેવી ધમકીઓ વીડિયો ગ્રુપમાં મૂકાયા બાદ અલ્પાબેનનો ભાઈ નિલેશ પરમાર અને પતિ શૈલેષ ટાંક મહિલાના ઘરે ધસી આવ્યા હતા. તેમણે મહિલાને ધક્કો મારી "તારા ટાંટિયા ભાંગી નાખીશ અને તને સગેવગે કરી દઈશ" તેવી ગંભીર ધમકીઓ આપી હતી. આ શખ્સોએ મહિલા પર માનસિક દબાણ બનાવ્યું હતું કે તેના જેવા કેટલાય ભાડુઆતો અહીંથી જતા રહ્યા છે.
સહનશક્તિ ખૂટતા ભરી દીધું આત્મઘાતી પગલું ગઈકાલે બપોરે 4 વાગ્યાના સુમારે મહિલાની સહનશક્તિની હદ આવી ગઈ હતી. તેણે વીડિયોમાં જણાવ્યું કે, "છેલ્લા 6 મહિનાથી અલ્પા ટાંકનો ત્રાસ વધી ગયો છે. હવે હું જે પણ પગલું ભરી રહી છું તેના જવાબદાર આ લોકો રહેશે." ત્યારબાદ તેણે ફિનાઈલ પી લીધું હતું. હાલમાં મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
લસકાણા પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ શરૂ કરી છે. પડોશીઓના નજીવા ઝઘડાએ એક મહિલાને મોતને ઉંબરે લાવી દીધી હોવાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.