Loading Please Wait !!!
કાશ્મીરમાં અમદાવાદના ટુરિસ્ટોની કાર ખીણમાં ખાબકતા બે ના કરુણ મોત

  • પહેલગામ નજીક TAVERA કાર રોડ પરથી પલટી મારી 15 ફૂટ ઊંડી ખાઈમાં પડી; બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત
  • ઘાટલોડિયા અને ભીમજીપુરાના બે દંપતીઓ અકસ્માતમાં ખંડિત થયા; સાઈટસીન માટે જતા સમયે સર્જાયો અકસ્માત
  • 20 મેના રોજ પ્રવાસ પૂર્ણ થાય તે પહેલાં જ નડ્યો કાળ; શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ ઈજાગ્રસ્તો

સિટી ન્યુઝ @ અમદાવાદ

ઉનાળાના વેકેશનની રજાઓ માણવા માટે કાશ્મીરના પ્રવાસે ગયેલા અમદાવાદના પરિવારો પર ભારે આઘાતજનક વજ્રઘાત થયો છે. કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ નજીક પ્રવાસીઓની એક ભાડાની ટવેરા કાર અચાનક રોડ પરથી સરકીને અંદાજે 15 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ ભયાનક આકાશી અકસ્માતમાં અમદાવાદના બે પ્રવાસીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બે સુખી દંપતીઓ ખંડિત થયા છે. આ ઘટનાને પગલે અમદાવાદમાં રહેતા તેમના સગા-સંબંધીઓમાં ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે.

મળતી વિગતો અનુસાર, અમદાવાદના નવા વાડજ, ઘાટલોડિયા અને તેની આસપાસના વિસ્તારના દંપતીઓ સહિતના પ્રવાસીઓની એક મોટી ટીમ કાશ્મીર પ્રવાસે ગઈ હતી. આગામી 20 મેના રોજ તેમનો આ પ્રવાસ પૂર્ણ થવાનો હતો અને તેઓ પરત ઘરે આવવાના હતા, તે પહેલાં જ શનિવારે સાંજના સમયે કાળ ત્રાટક્યો હતો. આ પ્રવાસીઓ કુલ ચાર ટવેરા કાર બંધાવીને પહેલગામ ખાતે સાઈટસીન એટલે કે સ્થળ દર્શન માટે નીકળ્યા હતા. આ દરમિયાન પહેલગામ-અરૂ રૂટ પરથી પસાર થતી વખતે ચાર પૈકીની એક કારના ચાલકે પહાડી રસ્તા પર સ્ટેયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતા કાર પંદરેક ફૂટ ઊંડી ખાઈમાં જઈ પડી હતી.

આ ગંભીર અકસ્માતમાં ટવેરા કારમાં સવાર અમદાવાદના બે અલગ-અલગ પરિવારોના સભ્યો ભોગ બન્યા છે. ઘાટલોડિયાના કે.કે. નગર રોડ પર આવેલા વાસુકાનન ટાવરમાં રહેતા ભાવિનભાઈ ભાવસારનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની અવનીબહેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા હાલ શ્રીનગરની સરકારી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સદનસીબે આ ભયાનક અકસ્માત વચ્ચે તેમની સાથે ગાડીમાં રહેલા 12 વર્ષના માસૂમ બાળકનો ચમત્કારિક અને આબાદ બચાવ થયો છે.

દુર્ઘટનાનો ભોગ બનેલા બીજા પરિવારની વિગત મુજબ, અમદાવાદના ભીમજીપુરા વિસ્તારમાં આવેલા વિરનગરમાં રહેતા નયનાબહે ભાવસારનું પણ આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. જ્યારે તેમના પતિ અશોકભાઈ ભાવસાર ગંભીર રીતે ઘાયલ થતાં શ્રીનગરની હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરાયા છે, જ્યાં તબીબો દ્વારા તેમનું મેજર ઓપરેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અકસ્માતગ્રસ્ત ટવેરા કારના સ્થાનિક કાશ્મીરી ચાલકને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

ઘાટલોડિયા અને ભીમજીપુરામાં શોકનો માહોલ: પાર્થિવ દેહ લાવવા તંત્ર એલર્ટ

કાશ્મીરમાં અમદાવાદી પ્રવાસી નડેલા અકસ્માતની સત્તાવાર જાણ શનિવાર મોડી રાત્રે જ અમદાવાદમાં રહેતા તેમના સ્નેહીજનો અને સગા-સંબંધીઓને થતાં જ સમગ્ર પંથકમાં ભારે આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. ખુશીનો માહોલ પળવારમાં માતમમાં ફેરવાઈ ગયો છે. હાલ જમ્મુ-કાશ્મીરના સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસની મદદથી બંને મૃતકોના પાર્થિવ દેહને જરૂરી કાનૂની અને મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરીને તેમજ ઇજાગ્રસ્તોને એર એમ્બ્યુલન્સ અથવા અન્ય માધ્યમથી તાત્કાલિક પરત અમદાવાદ લાવવા માટે અમદાવાદ કલેક્ટર તંત્ર અને સ્થાનિક નેતાઓ સક્રિય રીતે કાર્યવાહી કરી રહ્યા છે.