માંડલના શેર-રખિયાણામાં કાળમુખી ભેખડ ધસી પડી: બે યુવાનોના દટાઈ જવાથી કરુણ મોત
- વોંકળામાં રેતી ભરવા ગયેલા અલ્પેશ અને સાહિલ ઠાકોર પર માટીનો જથ્થો પડતા સર્જાઈ દુર્ઘટના
- માંડલ પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં પ્રચંડ રોષ
- સ્થાનિકોએ ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા; વિરમગામ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા
સિટી ન્યુઝ @ માંડલ / અમદાવાદ
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેર-રખિયાણા ગામની સીમમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અહીં પાણીના વોંકળામાં રેતી ભરવા ગયેલા બે આશાસ્પદ યુવાનો પર અચાનક વિશાળ ભેખડ ધસી પડતા, બંનેના ઘટનાસ્થળે જ દટાઈ જવાથી કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને સ્થાનિક તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શેર-રખિયાણા ગામના અલ્પેશભાઈ ઠાકોર અને સાહિલભાઈ ઠાકોર નામના બે યુવાનો ટ્રેક્ટર લઈને ગામની સીમમાં આવેલા વોંકળામાં રેતી ભરવા માટે ગયા હતા. જ્યારે તેઓ મજૂરી કરી ટ્રેક્ટરમાં રેતી ભરી રહ્યા હતા, ત્યારે ઉપરની તરફથી અચાનક માટી અને રેતીનો મોટો જથ્થો ધરાશાયી થયો હતો. આ વિશાળ ભેખડ સીધી બંને યુવાનો પર પડતા તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ પોતાની રીતે જહેમત ઉઠાવી ભેખડ નીચેથી બંને યુવાનોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. બનાવની ગંભીરતા જોઈ માંડલ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પંચનામું કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિરમગામ અને માંડલ પંથકમાં ગેરકાયદેસર રેતી ચોરીનો વ્યવસાય લાંબા સમયથી ફુલેફાલ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નદી અને વોંકળાઓમાં નિયમ વિરુદ્ધ ઊંડે સુધી ખોદકામ કરવામાં આવતું હોવાથી આવી ભેખડો ધસી પડવાનું જોખમ અનેકગણું વધી ગયું છે. ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્રની મૌન સંમતિને કારણે ખનન માફિયાઓ બેફામ બન્યા છે.
બે નિર્દોષ યુવાનોના મોત બાદ હવે ગ્રામજનો સવાલ કરી રહ્યા છે કે શું આ મોત માટે જવાબદાર ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે? શું તંત્ર હવે જાગશે કે પછી વધુ કોઈ નિર્દોષ જિંદગીનો ભોગ લેવાય તેની રાહ જોવામાં આવશે? હાલ તો આ કરુણ ઘટનાને પગલે શેર-રખિયાણા ગામમાં માતમ છવાઈ ગયો છે.