અમદાવાદ કોંગ્રેસમાં ભડકો: 6 વોર્ડ પ્રમુખ સસ્પેન્ડ થતા કાર્યકરોમાં ભારે રોષ
- શહેર પ્રમુખ સોનલ પટેલ સામે મોરચો; પોતાની નિષ્ફળતા કાર્યકરો પર થોપ્યાનો આક્ષેપ
- મકતમપુરામાં પેનલની જીત છતાં પ્રમુખ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર રાજીનામાની માંગ ઉઠી
- નવરંગપુરાથી વટવા સુધીના પ્રમુખો સામે કાર્યવાહી; કાર્યકરોએ શહેર નેતૃત્વ સામે ખોલ્યો મોરચો
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ અમદાવાદ શહેર કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે. ચૂંટણીમાં પક્ષના અત્યંત નિરાશાજનક પ્રદર્શન અને નબળા સંગઠનને ધ્યાને રાખીને કોંગ્રેસ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે શહેરના 6 વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે, આ કાર્યવાહીને પગલે પક્ષમાં શિસ્તને બદલે વિરોધનો વંટોળ વધુ તેજ બન્યો છે.
પક્ષ દ્વારા જે 6 વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં નવરંગપુરા, જોધપુર, વાસણા, મકતમપુરા, વટવા અને રામોલ-હાથીજણ વોર્ડનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં સૌથી વધુ આશ્ચર્ય મકતમપુરા વોર્ડના પ્રમુખને સસ્પેન્ડ કરવાના નિર્ણયથી સર્જાયું છે, કારણ કે આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલનો વિજય થયો છે. જીતેલા વોર્ડના પ્રમુખ સામે પણ પગલાં લેવામાં આવતા કાર્યકરોમાં ભારે ગણગણાટ અને નારાજગી જોવા મળી રહી છે.
વોર્ડ પ્રમુખો સામેની આ કાર્યવાહી બાદ કોંગ્રેસનાાય સે પાયાના કાર્યકરોએ શહેર પ્રમુખ સોનલ પટેલ સામે સીધો મોરચો ખોલી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને વોટ્સએપ ગ્રુપોમાં કાર્યકરો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે કે, ચૂંટણીમાં હારનું અસલી કારણ ખોટા ઉમેદવારોની પસંદગી અને શહેર નેતૃત્વની નિષ્ફળતા છે. કાર્યકરોનું કહેવું છે કે શહેર પ્રમુખે પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે નાના કાર્યકરોને બલિનો બકરો બનાવ્યા છે.
સોશિયલ મીડિયા પર અત્યારે "સોનલ પટેલ રાજીનામું આપે" તેવી માંગ જોર પકડી રહી છે. કાર્યકરોમાં એવી ચર્ચા છે કે જો શહેર પ્રમુખે પોતે જવાબદારી સ્વીકારી હોત તો પક્ષની ગરિમા જળવાઈ હોત, પરંતુ પાયાના સંગઠનને તોડવાના આ પ્રયાસથી પક્ષને વધુ નુકસાન થશે. અગાઉ પણ સોનલ પટેલની કાર્યપદ્ધતિ સામે અનેકવાર વિરોધ થઈ ચૂક્યો છે, પરંતુ આ વખતે વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવાની ઘટનાએ અસંતોષની અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે પ્રદેશ નેતૃત્વ આ આંતરિક કલહને શાંત કરવા માટે શું મધ્યસ્થી કરે છે.