સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષાના પરિણામ મુદ્દે ABVPનો અનોખો વિરોધ પ્રદર્શન
યજ્ઞ, રામધૂન અને નારેબાજી સાથે કુલપતિને આવેદન; સાત દિવસમાં પ્રશ્નો ઉકેલવાની માંગ
સિટી ન્યૂઝ | રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાના પરિણામોમાં વિલંબ, એક્સટર્નલ પરીક્ષાઓ અને વિદ્યાર્થીઓના અન્ય પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ યુનિવર્સિટી પરિસરમાં યજ્ઞ યોજી કુલપતિ ડૉ. ઉત્પલ જોષી અને કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજાને આવેદનપત્ર પાઠવ્યું હતું. વિરોધ દરમિયાન રામધૂન સાથે વિવિધ નારેબાજી પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થી પરિષદે રજૂઆતમાં જણાવ્યું હતું કે બી.કોમ., બી.એ., બી.એસસી., બી.સી.એ. સહિત અનેક કોર્સના અંદાજે ૧૦૦ જેટલા પરીક્ષા પરિણામો હજુ જાહેર કરવામાં આવ્યા નથી. ઉપરાંત બી.એ. એક્સટર્નલના વિદ્યાર્થીઓ સેમેસ્ટર-૩માં પહોંચી ગયા હોવા છતાં સેમેસ્ટર-૧ની પરીક્ષા યોજાઈ નથી. પીએચ.ડી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કાયમી હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ABVPના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધ્યક્ષ માધવ લોખિલે જણાવ્યું હતું કે પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ પણ લાંબા સમયથી પરિણામો જાહેર થતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તેમણે તાત્કાલિક નવા પરીક્ષા નિયામકની નિમણૂક કરવા અને બાકી રહેલા તમામ પરિણામો જાહેર કરવાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ કુલપતિ ચેમ્બર બહાર રામધૂન બોલાવી અને "યાત્રા શક્તિ, રાષ્ટ્ર શક્તિ", "એક કચેરી દો સમોસા, VC તેરા ક્યા ભરોસા" સહિતના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. કુલપતિ ડૉ. ઉત્પલ જોષીએ વિદ્યાર્થીઓને બાકી રહેલા પરિણામો વહેલી તકે જાહેર કરવાની ખાતરી આપી હતી. જ્યારે પીએચ.ડી. વિદ્યાર્થીઓની હોસ્ટેલ સુવિધા મુદ્દે મહિલા રેક્ટર સાથે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી. વિદ્યાર્થી પરિષદે ચેતવણી આપી છે કે સાત દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.