Loading Please Wait !!!
ડીસ્ટ્રીકટ કોર્ટમાં 16 કરોડના ખર્ચે એડવોકેટ ભવન બનશે



» રાજકોટ બાર એસોસીએશનની સફળ રજુઆત

» ગુજરાત સરકારે આપેલ મંજુરી, ટૂંક સમયમા એડવોકેટ ભવન ન કામ શરૂ થશે

સિટી ન્યૂઝ@ રાજકોટ 

રાજકોટ બાર એસોસિએશનની લાંબા સમયની અને સઘન રજૂઆતોને અંતે એક ઐતિહાસિક અને મોટી સફળતા મળી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ્પસમાં વકીલોની વધતી જતી સંખ્યા અને માળખાગત સુવિધાઓની જરૂરિયાતને પહોંચી વળવા માટે ૧૬ કરોડના માતબર ખર્ચે નવું ગ્રાઉન્ડ પ્લસ ૪ માળનું અત્યાધુનિક એડવોકેટ ભવન બનાવવામાં આવશે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને સંપૂર્ણ મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ તેનું બાંધકામ શરૂ થશે. આ નવા ભવનમાં વકીલો માટે બેસવાની આધુનિક વ્યવસ્થા, અદ્યતન લાઇબ્રેરી અને પક્ષકારો (ક્લાયન્ટ) સાથે સરળતાથી મીટિંગ થઈ શકે તે પ્રકારની સગવડો ઊભી કરવામાં આવશે.

રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા અને પૂર્વ પ્રમુખ પરેશ મારુ દ્વારા કોર્ટ બિલ્ડિંગ કેમ્પસમાં એડવોકેટ ભવન બને તે માટે સતત ગુજરાત હાઇકોર્ટ અને ગુજરાત સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. આ માંગણી માત્ર ઔપચારિક ન હતી, પરંતુ વકીલોના રોજિંદા કામકાજ અને કોર્ટની કાર્યવાહીની સરળતા માટે અત્યંત આવશ્યક હતી. આગેવાનોએ ગાંધીનગર કક્ષાએ અને હાઇકોર્ટમાં રૂબરૂ મુલાકાતો લઈને પરિસ્થિતિનો વાસ્તવિક ચિતાર આપ્યો હતો. આ સઘન રજૂઆતોને ધ્યાને લઈને હાઇકોર્ટે વકીલોની વ્યાજબી માંગણી મંજૂર કરી હતી. હાઇકોર્ટ અને સરકારમાં મોકલાયેલી મંજૂરી બાદ રાજ્ય સરકારે પણ વકીલોના હિતમાં નિર્ણય લઈ આ એડવોકેટ ભવનને સંપૂર્ણ મંજૂરીની મહોર મારી દીધી છે.

સરકાર દ્વારા બાંધકામના કામોની દરખાસ્ત અને ૧૬ કરોડનું બિલ્ડિંગ મંજૂર કરી દેવાયું છે. પ્રોજેક્ટની તાત્કાલિક કામગીરી માટે એસ.ઓ.આર. મુજબ નકશા અને આધુનિક ડિઝાઇન તૈયાર કરી માર્ગ અને મકાન (R&B) વિભાગને નિયત સંસ્થા પાસે તૈયાર કરવા મોકલી અપાયા છે. આ પ્રોજેક્ટ ગોકળગાયની ગતિએ ન ચાલે તે માટે ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે. યોજનાની અમલવારી પ્રોજેક્ટની સમયમર્યાદાને અસર ન કરે તે રીતે ઝડપથી પૂર્ણ કરવા કડક સૂચના અપાઈ છે. આ કામગીરી રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે અને ખર્ચની રકમ રાજ્ય તથા કેન્દ્રના હિસ્સા હેઠળ મંજૂર થયેલ ગ્રાન્ટમાંથી આપવામાં આવશે.

ન્યાયતંત્ર અને બાર એસોસિએશન વચ્ચેના શ્રેષ્ઠ સંકલનના પરિણામ સ્વરૂપે આ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે. રાજકોટમાં એડવોકેટ ભવન બને તે માટે યુનિટ જજ ઇલેશ વોરા અને પૂર્વ યુનિટ જજ રોય દ્વારા પણ નિષ્ઠાપૂર્વક અને હકારાત્મક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સઘ્ર રજૂઆતો અને લાંબી પ્રક્રિયામાં પ્રમુખ સુમિત વોરા, પૂર્વ પ્રમુખ પરેશ મારુ, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી નિલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલિયા, ટ્રેઝરર પ્રગતિ માકડીયા, લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડ, કારોબારી સભ્ય હિરલ જોષી, નિશા લુણાગરિયા, મિનલ સોનપાલ, સ્તવન મહેતા, ભાર્ગવ પંડ્યા, વિજય રૈયાણી, સંજય ડાંગર, અશ્વિન રામાણી, કલ્પેશ સાકરિયા, દિપ વ્યાસ, રક્ષા ઉપાધ્યાય અને હરસુખ સાગઠિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.

છેલ્લા ૨ વર્ષ દરમિયાન થયેલા આ અથાક પ્રયત્નોને સફળતા મળતા રાજકોટના તમામ વકીલોમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપી છે. આ ભવનના નિર્માણથી વકીલોના કામકાજના વાતાવરણમાં મોટો સકારાત્મક બદલાવ આવશે, જેનો સીધો લાભ ન્યાય માટે આવતા સામાન્ય લોકોને પણ મળશે.