Loading Please Wait !!!
અમદાવાદ વટવા વિસ્તારમાં એક ફ્લેટમાં યુવકની લાશ મળી

=> જમવામાં કીડી નીકળતા રૂમ પાર્ટનરની હત્યા કરી નાંખી

સિટી ન્યૂઝ@અમદાવાદ

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી થોડા દિવસ જૂની, હાથ-પગ બાંધેલી અને કોહવાઈ ગયેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવી હતી. પોલીસની સઘન તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, માત્ર જમવામાં કીડી આવવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં મૃતકના ચાર રૂમ પાર્ટનરોએ જ ભેગા મળીને તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. પોલીસે ફરાર થઈ ગયેલા ચારેય આરોપીઓને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વટવાના સાંતેજ હોમ્સ ફ્લેટના એક બંધ મકાનમાંથી ૨૭ મેની રાત્રે એક યુવકની કોહવાયેલી લાશ મળી આવતા વટવા પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતકની ઓળખ વડોદરાના વતની ઇમરાન સિંધા તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઇમરાન આ ફ્લેટમાં ભાડે રહેતો હતો અને તેની સાથે અન્ય ૪ શખ્સો પણ રૂમ પાર્ટનર તરીકે રહેતા હતા, જેઓ હત્યા બાદથી ગાયબ હતા.

ઝોન ૮ ના ડીસીપી મયુર પાટીલે જણાવ્યું હતું કે, હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, બનાવના દિવસે રવિકુમાર અને એક કિશોરે જમવાનું બનાવ્યું હતું. જમવામાં કીડી આવતા ઇમરાને ફરિયાદ કરી હતી, જેથી તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઇમરાનની સાથે રહેતા વિરેન્દ્રસિંહ બઘેલ, ચાંદમોહન શર્મા, રવિકુમાર સાહુ અને કિશોરે મળીને ઇમરાનના માથામાં બોથડ પદાર્થ માર્યો હતો. ઇમરાન અર્ધબેભાન થઈ જતા તેના હાથ-પગ બાંધીને મોઢામાં કપડું ગૂંચી દીધું હતું, જેથી ગૂંગળામણના કારણે તેનું મોત નીપજ્યું હતું.

હત્યા કર્યા બાદ ચારેય આરોપીઓ પોલીસથી બચવા જયપુર, ધોલપુર, આગ્રા, મથુરા, વૃંદાવન અને વઝીરાબાદ ભાગી ગયા હતા. ઝોન ૮ એલસીબીના પીએસઆઈ પી. આર. સરવૈયાની ટીમે સતત તેમનો પીછો કર્યો હતો. જ્યારે આરોપીઓ ગુરુગ્રામથી બસમાં બેસીને પરત આગ્રા તરફ જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે ફિલ્મી ઢબે પલવલ પાસે બસને ઊભી રખાવી એક કિશોર સહિત ચારેય આરોપીઓને દબોચી લીધા હતા અને તેમને અમદાવાદ લાવી વટવા પોલીસને સોંપ્યા હતા.