Loading Please Wait !!!
અમદાવાદમાં એજ્યુકેશન ગ્રુપ દ્વારા 500 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

  • અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો

સિટી ન્યૂઝ@અમદાવાદ

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે ભવ્ય "તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ ૨૦૨૬" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ટોચના પ૦૦ વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સંસ્થાની વાર્ષિક એજ્યુકેશન ડાયરી ૨૦૨૬ નું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને ઉપયોગી કારકિર્દી માર્ગદર્શન અને શૈક્ષણિક માહિતીઓનો સમાવેશ કરાયો છે.

આ પ્રસંગે ઉપસ્થિત ભાગવત કથાકાર પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ અને ઇન્ટરનેશનલ કથાકાર પૂજ્ય ડો. લંકેશ બાપુએ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર કારકિર્દી ઘડવા પૂરતું સીમિત નથી, પરંતુ સારા સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ, માનવતા અને સનાતન મૂલ્યોને જીવનમાં ઉતારવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે.

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ચેરમેન વિજય મારૂએ તેમના સંબોધનમાં ભાવપૂર્વક જણાવ્યું કે આજના યુગમાં શિક્ષણ એ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, સામાજિક જાગૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા વિકસાવવાનું શક્તિશાળી માધ્યમ છે. જ્યારે સંસ્થાના પ્રમુખ રાકેશ પરમારે ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન યોજાતા એન્જય એક્ઝામ, કારકિર્દી માર્ગદર્શન વર્કશોપ અને ટીચર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો.

આ કાર્યક્રમની સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે સન્માનિત પ૦૦ વિદ્યાર્થીઓએ એકસાથે પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ ગ્રહણ કર્યો હતો. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના ચેરમેન હેમાંગ રાવલે વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ, પાણી બચાવ અને સ્વચ્છતા જાળવવાના શપથ લેવડાવી "ગ્રીન એમ્બેસેડર અભિયાન" માં જોડાવા આહવાન કર્યું હતું. નોલેજ પાર્ટનર તરીકે JG યુનિવર્સિટીના કાબિદ અબ્બાસી અને તેમની ટીમ વિશેષ ઉપસ્થિત રહી હતી.

આ સમારંભમાં વાઇસ ચેરમેન સતીશ શાહ, ઝકુત આચાર્ય, સમીર ગજ્જર, સુહાગ પંચાલ, રઉફ અલી સૈયદ, બિપિન ખંડવી, મનીષ વી. પંચાલ, સંદીપ ત્રિવેદી, સરજુ ચૌહાણ, સંજય પરમાર, રામ આહિર સહિતના કમિટી સભ્યો અનિલ ડાંગી, અમિત રાજપુત, દિપક પરમાર, મેહુલ ચૌહાણ, હેમંત ચૌહાણ, મુકેશ ગાંગાણી અને ચિંતન શાહ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એસ. આઈ. ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.