અષાઢી બીજે SGVP વાવડી ગુરુકુળથી મવડી સુધી ભગવાન જગન્નાથજીની રથયાત્રા
સિટી ન્યૂઝ | રાજકોટ
અષાઢી બીજના અવસરે SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, વાવડી-રિબડા દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગુરુકુળના આદ્ય સંસ્થાપક પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે આ મહોત્સવ વિશેષ રહેશે.
આ આયોજન SGVP ગુરુકુળ વાવડીના સંકલન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ, સનાતન ધર્મ સંકલન સમિતિ, હિન્દુ જાગરણ મંચ, SGVP ગવડી મંદિર, મુખ્ય મંદિર રાજકોટ, ખોડલધામ શિક્ષણ પાંખ, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અને ભારત વિકાસ પરિષદ સહિતની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. મુખ્ય સમિતિના અધ્યક્ષ તરીકે પૂજ્ય શાસ્ત્રી ધર્મવલ્લભદાસજી સ્વામી અને કન્વીનર તરીકે રાજદીપસિંહ જાડેજા તથા સહ-કન્વીનર કમલેશભાઈ દવે કામગીરી સંભાળી રહ્યા છે. અનેક સ્વયંસેવકો તૈયારીઓમાં જોડાયા છે. રથયાત્રા તા. ૧૬ જુલાઈ, ૨૦૨૬ (ગુરુવાર) ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યે SGVP ગુરુકુળ, વાવડીથી પ્રસ્થાન કરશે. તે પહેલાં બપોરે ૨:૪૫થી ૩:૩૦ દરમિયાન અન્નકૂટ અને પ્રસાદ વિતરણ થશે. રથયાત્રા વાવડી ગેટથી શરૂ થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઈ SGVP મવડી મંદિર પહોંચશે, જ્યાં મહાઆરતી સાથે સમાપન થશે. કાર્યક્રમનો સમય રાત્રે ૮:૧૫ વાગ્યા સુધી રહેશે. પ્રારંભ પ્રસંગે પૂજ્ય સંતો સાથે મેયર ડૉ. નેહલભાઈ શુક્લ, પરેશભાઈ પીપળીયા, સાંસદ રામભાઈ મોકરિયા, ડૉ. માધવભાઈ દવે સહિતના મહાનુભાવો હાજર રહેશે. માર્ગ પર વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા, આરતી અને પ્રસાદથી સ્વાગત કરવામાં આવશે. આયોજકોએ નાગરિકોને પરિવાર સાથે હાજર રહેવા આમંત્રણ આપ્યું છે.