બાંધકામ સાઈટોને નિશાન બનાવતી ગેંગ ઝડપાઈ
સગીર સહિત 6 ઝડપાયા, 134 એલ્યુમિનિયમ પ્લેટ રીક્ષા, છોટા હાથી સહિત 18 લાખનો મુદ્દામાલ કબજે; 2 આરોપી ફરાર
સીટી ન્યૂઝ@રાજકોટ
શહેર ક્રાઈમ બ્રાન્ચે બાંધકામ સાઈટો પરથી એલ્યુમિનિયમ પ્લેટો ચોરતી ગેંગના સગીર સહિત કુલ 6 સાગરીતોને ઝડપી પાડી, ચાર અનડિટેક્ટ ચોરીના ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. આ ગુનામાં ફરાર બે શખ્સોની શોધખોળ આદરી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને ડીસીપી કાઈમળા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલીયા, ડામોર, જળવણી રાહબરીમાં પીએસઆઈ અનિરુદ્ધસિંહ પરમારની ટીમને મળેલી બાતમી આધારે મૂળ ચોટીલાના હાલ કણકોટ રોડ પર રહેતા રોહિત ઉર્ફે બાવલો મનજીભાઈ વાઘેલા, ભીમનગર સર્કલ પાસે રહેતા કલ્પેશ અર્જુનભાઈ માથાસુરીયા, ભંડારીયાના મનોજ શાંતિભાઈ સોલંકી, ડુંગરપુરનો રાજેશભાઈ ઉર્ફે રાજુ દેવશીભાઈ કુકડિયા, જોખપદના શાન્તિભાઈ સોલંકી અને એક બાળ કિશોરને ઝડપી લીધા હતા. જ્યારે ચોરીના આ ગુનામાં સંડોવાયેલ અશ્વિન સુરેશભાઈ સાદમિયા અને વિજય ધીરૂભાઈ જજાનિયાની શોધખોળ હાથ ધરી છે જેને પકડી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે. પોલીસે ૧૪.૫૪ લાખની ૧૩૪ પ્લેટ, એક રીક્ષા અને એક છોટા હાથી સહીત ૧૮ લાખ ૪ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શાતિર ગેંગ રાત્રીના અંધારામાં મોઢે બુકાની બાંધી કન્સ્ટ્રક્શન સાઈટોને નિશાન બનાવતી હતી.