Loading Please Wait !!!
26.80 કરોડના ખર્ચે ભક્તિનગર રેલવે સ્ટેશનનો કાયાકલ્પ, 17 જુલાઈએ વડાપ્રધાન કરશે લોકાર્પણ

 

» અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિક સુવિધાથી સજ્જ સ્ટેશન તૈયાર; ચાર લિફ્ટ, નવા ફૂટ ઓવર બ્રિજ અને વિશાળ કોનકોર્સ હોલથી મુસાફરોને મળશે વિશ્વસ્તરીય અનુભવ

સિટી ન્યૂઝ | રાજકોટ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ આવેલા ભક્તિનગર રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૨૬.૮૦ કરોડના ખર્ચે પુનર્વિકાસ પૂર્ણતાના આરે પહોંચ્યો છે. આધુનિક મુસાફર સુવિધાઓથી સજ્જ બનેલા સ્ટેશનનું લોકાર્પણ ૧૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. ભક્તિનગર સ્ટેશન ખાતે સ્થાનિક કાર્યક્રમ બપોરે ૨ વાગ્યાથી યોજાશે.

રાજકોટ શહેરના મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન તરીકે ઓળખાતા ભક્તિનગર સ્ટેશન પર દરરોજ અંદાજે ૬,૬૦૦ મુસાફરોની અવરજવર થાય છે. વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્ટેશન ભવનના વિકાસ માટે ૧૧.૮૧ કરોડ અને નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે ૧૪.૯૯ કરોડ સહિત કુલ ૨૬.૮૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

પુનર્વિકાસ અંતર્ગત પ્લેટફોર્મ નંબર-૧ પર કોટા સ્ટોન ફ્લોરિંગ, પ્લેટફોર્મ નંબર-૨ અને ૩ પર નવા કવર શેડ, એસીપી ક્લેડિંગ સાથે આધુનિક સ્ટેશન બિલ્ડિંગ, અલગ પ્રવેશ અને નિર્ગમ દ્વાર, ૮,૬૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં સ્ટેશન ભવનનું અપગ્રેડેશન તથા ૨,૭૬૦ ચોરસ ફૂટનો વિશાળ કોનકોર્સ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. મુસાફરો માટે એકઝિબિશન પ્રતીક્ષાલય, વીઆઈપી રૂમ, આધુનિક શૌચાલય, નવી સાઈનેજ સિસ્ટમ, ઉત્તમ લાઈટિંગ અને વેન્ટિલેશન સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત ૨૫,૬૮૫ ચોરસ ફૂટ વિસ્તારમાં ગાર્ડન અને સર્ક્યુલેટિંગ એરિયા, ટેન્સાઈલ રૂફ પોર્ચ, સુવ્યવસ્થિત પાર્કિંગ તેમજ દિવ્યાંગજનો માટે વિશેષ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

સ્ટેશનને સંપૂર્ણ દિવ્યાંગજન અનુકૂળ બનાવવા માટે રેમ્પ, ટેક્ટાઈલ ટાઈલ્સ, મોડ્યુલર ટોયલેટ, એક લાખ લિટર ક્ષમતાની ભૂગર્ભ જળસંપ તથા ૫૦ હજાર લિટરની ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી છે. મુસાફરોની અવરજવર સરળ બનાવવા ૧૨ મીટર પહોળો મુખ્ય ફૂટ ઓવર બ્રિજ, વેરાવળ તરફ ૩.૬૬ મીટર પહોળો વધારાનો ફૂટ ઓવર બ્રિજ તેમજ ૨૦ મુસાફરોની ક્ષમતા ધરાવતી ચાર આધુનિક લિફ્ટ પણ કાર્યરત કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભક્તિનગર સ્ટેશનનો આ કાયાકલ્પ મુસાફરોને વધુ સુરક્ષિત, સરળ અને ગુણવત્તાયુક્ત મુસાફરીનો અનુભવ કરાવશે તેમજ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના ઔદ્યોગિક અને વ્યાપારિક વિકાસને પણ નવી ગતિ આપશે.