વિજ્ઞાન જાથાની કાર્યવાહી બાદ ધાનજમાં ભુવાના ધતિંગનો પર્દાફાશ
પૂર્વજ બેસાડવાના નામે ભ્રમ ફેલાવવાના આક્ષેપ; કલોલ પોલીસની હાજરીમાં કબૂલાતનામું આપી ભુવાએ માફી માંગી
સીટી ન્યૂઝ@રાજકોટ
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનજ ગામમાં અંધશ્રદ્ધા અને ભ્રામક ધાર્મિક દાવાઓ સામે ફાયરબ્રાન્ડ ભારત જન વિજ્ઞાન જાથાએ એક ભુવાના કથિત ધતિંગનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. જાથાના જણાવ્યા મુજબ ભુવા જયેશ નટવરલાલ પ્રજાપતિએ પોલીસની હાજરીમાં કબૂલાતનામું આપી આવી પ્રવૃત્તિઓ બંધ કરવાની જાતરી આપી અને લોકોની માફી માંગી હતી. વિજ્ઞાન જાથાના જણાવ્યા અનુસાર ધાનજ ગામમાં પોતાના નિવાસસ્થાને ધાર્મિક સ્થાપનાઓ સાથે ભુવાપણું કરતા પ્રજાપતિ લોકોની વિવિધ સમસ્યાઓ, પિતૃ સ્થાપન અને અન્ય ધાર્મિક વિધિઓના નામે માર્ગદર્શન આપતા હતા. કેટલાક લોકોએ આ પ્રવૃત્તિ અંગે જાથાને રજૂઆત કરતા તપાસ હાથ ધરવામાં આવી હતી.
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ અગાઉ પોલીસ તંત્ર પાસે સુરક્ષા વ્યવસ્થાની માંગણી કરી હતી. ત્યારબાદ કલોલ પોલીસના બંદોબસ્ત સાથે જાથાની ટીમ ધાનજ ગામ પહોંચી હતી. સ્થળ પર માહિતી એકત્ર કર્યા બાદ સંબંધિત વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. જાથાના દાવા મુજબ પોલીસ સ્ટેશન ખાતે ચર્ચા બાદ જયેશ પ્રજાપતિએ ભ્રામક અને અંધશ્રદ્ધા પ્રેરિત પ્રવૃત્તિઓ બંધ કરવાની ખાતરી આપતા કબૂલાતનામા પર સહી કરી હતી. તેમણે લોકોની માફી પણ માંગી હોવાનું જણાવાયું છે. ઘટનાની જાણ થતાં કેટલાક સમર્થકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે પોલીસની મધ્યસ્થતા અને સમજાવટના કારણે કોઈ અનિચ્છનીય ઘટના સર્જાઈ નહોતી અને સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
ભારત જન વિજ્ઞાન જાથાએ જણાવ્યું છે કે આ તેમની ૧૨૮૮મી સફળ કાર્યવાહી છે. જાથાએ પોલીસ તંત્ર અને સંબંધિત અધિકારીઓનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.