Loading Please Wait !!!
કરશનદાસ બાપુનો નવો ધડાકો  : ભાજપનો ‘ઝાડું’ તોડવાનો ‘ગેમપ્લાન’?

  • આપમાંથી ભાજપમાં જોડાયેલા સંદીપ પાઠકની ગુજરાત ઉપર સતત નજર
  • શત્રુને ઉગતા જ ડામવા ભાજપે હવે પક્ષને તોડવા માટેની તેની તોપનું નાળચું આમ આદમી પાર્ટી તરફ ફેરવ્યું ?
  • કરસનદાસ બાપુએ કહ્યું ગોપાલ ઇટાલિયા BJPમાં, ઇસુદાન ગઢવી BJPમાં ચૈતર વસાવા કોંગ્રેસમાં જોડાશે

સિટી ન્યૂઝ@અમદાવાદ : ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાસક પક્ષને જબરદસ્ત સફળતા મળી છે. કુલ દસ હજાર બેઠકોમાંથી ૭,૫૦૦થી પણ વધુ બેઠકો કબજે કરીને શાસક પક્ષે શાસનના ૩૦ વર્ષ પછી પણ સ્થાનિક સ્તરે હજી પણ તેનો દબદબો હોવાનું પ્રમાણ આપ્યું છે, જે તેના માટે વિશેષ સિદ્ધિ કહી શકાય. જો કે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મહત્વનું પાસું હોય તો તે આમ આદમી પાર્ટી (આપ)નો થયેલો ઉદય છે. તેને ગુજરાતમાં ૬૫૦ જેટલી બેઠકો મળી છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે. પણ હવે પક્ષ લાંબા સમય સુધી આ આનંદ મનાવી શકે તેમ નથી.

શાસક પક્ષ ભાજપે આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે હવે કોંગ્રેસને તોડવાનું બાજુએ મૂકીને આમ આદમી પાર્ટીને તોડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેનું એક કારણ આમ આદમી પાર્ટીની અંદર ચાલતો આંતરિક કલહ પણ છે. તેનો ફાયદો ઉઠાવીને ભાજપ હવે ‘ઝાડું’ને વેરવિખેર કરવા માંગે છે. હાલમાં આમ આદમી પાર્ટીની અંદર પક્ષના જ બે મોટા માથા બનેલા ગોપાલ ઇટાલિયા અને પક્ષપ્રમુખ ઈસુદાન ગઢવી વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે અને તેનો ફાયદો ઉઠાવવા શાસક પક્ષ ભાજપ આતુર છે.

ભાજપે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા સહિત રાજ્યસભાના સાત સાંસદોને તોડ્યા છે. તેમાં સંદીપ પાઠક જેવા વ્યૂહરચનાકારોનો પણ સમાવેશ થાય છે. તેમણે દિલ્હીમાં અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની વ્યૂહરચના રચી હતી. હવે આ જ સંદીપ પાઠકની મદદ લઈને ભાજપ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનને વિખેરી નાખવાનું આયોજન ધરાવે છે. તેમાં પણ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી વચ્ચેની ખેંચતાણ મદદરૂપ નીવડી શકે છે.

તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાંથી ખેડૂત અને યુવા આગેવાન રાજુ કરપડાએ આ આંતરિક ખેંચતાણથી કંટાળીને પક્ષ તજ્યો હતો. આ જ રીતે આપના અન્ય આગેવાન સાગર રબારીએ પણ પક્ષના બધા હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આગામી દિવસોમાં આપના ગઢમાંથી વિવિધ પ્રકારના કાંકરા ખરી શકે તો આશ્ચર્ય નહીં થાય. વર્તમાન શાસક પક્ષ ઈચ્છે છે કે આગામી વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી જેવા જ આવે. બીજા પક્ષોનો કોઈ ગજ જ વાગે નહીં. આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દેખાવ પરથી તો કમસેકમ ૨૫ વિધાનસભા મતવિસ્તારો કબજે કરવાની અને મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસને હટાવીને બીજી સ્થાને આવવાની આશા છે. આ માટે તેણે જોરશોરથી તૈયારી પણ આદરી દીધી છે. આમ આદમી પાર્ટીને તળિયા સ્તરે મળતું સમર્થન જોઈને સરકાર પણ ચોંકી ઉઠી છે.

આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યમાં એકપણ બેઠક ન ધરાવતી આમ આદમી પાર્ટી પાસે ચારેક જિલ્લા પંચાયતો છે અને કેટલીક તાલુકા પંચાયતો પણ છે. તેમાં પણ મધ્ય ગુજરાતના આદિવાસી પટ્ટામાં તો આમ આદમી પાર્ટીનો દેખાવ ઘણો સારો રહ્યો છે. સરકારને પણ અંદેશો આવવા માંડ્યો છે કે પ્રજા સંભવતઃ હવે ત્રીજો વિકલ્પ અજમાવવા પર વિચારી રહી છે. તેથી વર્તમાન ભાજપ શાસને અત્યારથી જ પાણી પહેલા પાળ બાંધવાનો પ્રારંભ કરી દીધો છે. આમ રોગ અને શત્રુને ઉગતા જ ડામવા તે ન્યાયે ભાજપે હવે પક્ષ તોડવા માટેની તેની તોપનું નાળચું કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટી તરફ ફેરવ્યું છે. આમ આદમી પાર્ટીના ગઢના હાલમાં રહી ગયેલા ઘણા કિલ્લાઓને ધ્વસ્ત કરવા માટે સંદીપ પાઠકનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આમ આદમી પાર્ટીમાં બાકી રહી ગયેલા ધારાસભ્યોની વિકેટ ગમે ત્યારે ખેરવવામાં આવી શકે છે તેવી સંભાવના વધુ પ્રબળ બની છે.

આના પગલે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના ધારાસભ્યો પક્ષપલટો કરે તો નવાઈ નહીં લાગે. જો કે પક્ષપલટો કરનારા ધારાસભ્યોએ તે જોવું જોઈએ કે તેમની સ્થિતિ આમ આદમી પાર્ટીમાંથી ગયેલા ભૂપત ભાયાણી જેવી ન થાય. કમસેકમ તેટલી ખાતરી તો તેમણે મેળવી જ લેવી પડશે. તેથી પોતાનો જનાધાર પક્ષ નહીં પણ વ્યક્તિગત ધોરણે મજબૂત હોય તેવા આગેવાનો જ આગામી દિવસોમાં પક્ષ છોડવાની હિંમત કરી શકે તેમ છે. હવે પક્ષે જે લોકોને ધારાસભ્ય તરીકે પસંદ કર્યા તેમની કેડર તરીકે પક્ષની જ કેડર હોય તો તેવા લોકો પક્ષપલટો કરે તો પણ પક્ષને તેનાથી કોઈ ફેર પડતો નથી.