વિદ્યાર્થીઓ માટે કારકિર્દીનાં ઉંબરે પુસ્તકની 21મી આવૃત્તિનું વિમોચન
» કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોના હસ્તે 12 પછીના કોર્સ અંગેના પુસ્તકનું વિમોચન કરાયું
» ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં 300 થી વધુ કોર્સ અને 40 પ્રવેશ પરીક્ષાની માહિતી
» વિદ્યાર્થીઓ માટે આ માર્ગદર્શક પુસ્તક ઓનલાઇન વિનામૂલ્યે ડાઉનલોડ કરવા ઉપલબ્ધ
સિટી ન્યૂઝ@અમદાવાદ
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પથદર્શક બનતા પુસ્તક કારકિર્દીનાં ઉંબરે ની ૨૧મી આવૃત્તિનું ગુજરાત કોંગ્રેસ દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકુલ વાસનીક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે આ પુસ્તકનું લોકાર્પણ કરાયું હતું. શિક્ષણ ક્ષેત્રે ૩૦ વર્ષથી સક્રિય કોંગ્રેસ મીડિયા કન્વીનર ડૉ. મનીષ દોશી અને તેમના સહયોગીઓ દ્વારા સતત ૨૧ વર્ષથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે.
આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ ૩00 થી વધુ અભ્યાસક્રમોની વિગતો આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત ૪૦ થી વધુ પ્રવેશ પરીક્ષાઓ, કોલેજોની બેઠકો, સરકારી સ્કોલરશીપ અને એજ્યુકેશન લોન મેળવવાની પ્રક્રિયા સહિતની તમામ પાયાની વિગતો આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની સરળતા માટે આ તમામ માહિતી ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં ઉપલબ્ધ કરાવાઈ છે.
પુસ્તક વિમોચન પ્રસંગે મુકુલ વાસનીકે જણાવ્યું હતું કે આ માત્ર પુસ્તક નથી, પરંતુ લાખો યુવાનોના ભવિષ્યને સાચી દિશા આપતો સેવાયજ્ઞ છે. અમિત ચાવડાએ ઉમેર્યું કે મોંઘીદાટ કેરિયર કાઉન્સિલિંગ ફી ન ભરી શકતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ પુસ્તક વરદાનરૂપ છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે યોગ્ય માર્ગદર્શનના અભાવે પ્રતિભાઓ કરમાઈ ન જાય તે માટે આ પુસ્તક ઉત્તમ પથદર્શક બને છે. જ્યારે તુષાર ચૌધરીએ કહ્યું કે પુસ્તકમાં માત્ર કોર્સ જ નહીં, પરંતુ માનવીય ગુણોના વિકાસની વિગતો પણ વણી લેવાઈ છે.
આ પુસ્તક વિદ્યાર્થીઓ માટે www.incgujarat.com અને www.careerpath.info પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે. વિમોચન કાર્યક્રમમાં હિંમતસિંહ પટેલ, રાગકિશન ઓઝા, નિશીત વ્યાસ, બિમલ શાહ, હેમાંગ રાવલ, ડૉ. હિરેન બેન્કર અને ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.