Loading Please Wait !!!
રાજકોટ ડિમોલિશન કાંડ 12 લાખમાં 2.48 લાખ બોટલ ‘પાણી’ પીવાય ગયું !

 

કઈ કંપનીનું પાણી કોઈ ઉલ્લેખ કેમ નહીં ? 5 રૂપિયાની નાની બોટલનું વિતરણ, ભાવ લગાવ્યા 8 રૂપિયા

  • 12 લાખનું મિનરલ વોટર !

  • કઈ કંપની ? કોઈ ખુલાસો નહીં !

  • સરકારી ખર્ચ કે શો-ઓફ ?

  • જનતાનો પૈસો કે મોજશોખ ?

2.48 લાખ બોટલનું હિસાબ કોણ આપશે ?

સીટી ન્યૂઝ@રાજકોટ

23 અને 24 ફેબ્રુઆરીના સતત બે દિવસ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનમાં વોર્ડ નં.11ના જંગલેશ્વર વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી ઐતિહાસિક અને સાહસિક મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જોકે, આ ડિમોલિશન કર્યા બાદ મનપાના અધિકારીઓએ વાહવાહી તો મેળવી લીધી, પરંતુ હવે 27 લાખના ભોજનનું બિલ પાસ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવતા જ ભારે વિવાદ સાથે હોબાળો મચી ગયો હતો. વિપક્ષે આ આંધળા ખર્ચ સામે સવાલો ઉઠાવ્યા છે, જેને પગલે હાલ પૂરતી આ દરખાસ્ત અટકાવી દેવામાં આવી છે.

જોકે, 27 લાખના બિલમાં ડિમોલિશનના સ્ટાફ માટે સમોસા, કાજુકતરી, ખજૂર રોલ, જલેબી, ગાંઠિયા, ભોજનની થાળી, લીંબુ શરબત અને છાશ વગેરેનો સમાવેશ કરાયો છે. નવાઈની વાત એ છે કે આટ-આટલી વાનગીઓ આરોગ્યા પછી અધિકારીઓ પાણી પીવાનું ભૂલી ગયા હોય તેમ દરખાસ્તમાં 12 લાખના મિનરલ વોટરનું કોઈ બિલ જ સામેલ ન કર્યું. આ ભોજન બિલનો વિવાદ શરૂ થતા જ રાજકોટ મનપાએ પાણીના 12 લાખ રૂપિયાનો ખર્ચ છુપાવ્યો અને પાછલા બારણે બિલ પાસ કરવાનો કારસો ઘડ્યો હોવાનું સામે આવ્યું છે, પાણીના આ તોટિંગ બિલના તમામ પુરાવા છે.

ડિમોલિશન દરમિયાન પાણી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ 'ઉમિયા મંડપ સર્વિસ'ને આપવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્ટાફ અધધ 12,40,028 નું તો માત્ર મિનરલ વોટર પી ગયો છે! આ સિવાય ડિમોલિશન સાઈટ પર મંડપ બાંધવાનો ખર્ચ 5,70,578 થયો છે. આ બંને બિલ હજુ સુધી પ્રજા કે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યા નથી. આ આખી ગોઠવણમાં વહીવટી ચતુરાઈ વાપરવામાં આવી છે. ચા-પાણી, નાસ્તો અને જમવાની વ્યવસ્થા આરોગ્ય શાખા હસ્તક હતી, જેથી તેનું 27 લાખનું બિલ વહેલું દરખાસ્તમાં આવી ગયું. જ્યારે મિનરલ વોટર અને મંડપ સર્વિસની જવાબદારી સાંસ્કૃતિક વિભાગની હતી.

સાંસ્કૃતિક વિભાગે હજુ સુધી આ દરખાસ્ત કમિટી સમક્ષ મૂકી નથી. હવે જોવાનું એ રહેશે કે ઉમિયા મંડપ સર્વિસ ગજવામાં નિયત એજન્સી હોવાથી આ બિલ બારોબાર પાસ કરી દેવાય છે કે પછી તેને પણ મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવશે. અત્યાર સુધી પ્રજા સામે માત્ર 27,20,649 લાખનો ખર્ચ જ આવ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમાં હજુ પાણીનું 12,40,028 નું બિલ અને મંડપ સર્વિસના ઉમેરવાના બાકી છે. આ તમામ વિગતો ઉમેરતા જંગલેશ્વર ડિમોલિશનનો કુલ ખર્ચ 45,31,755 ની આસપાસ પહોંચે છે, જે પ્રજાના ટેક્સના પૈસાનો સીધો ધુમાડો છે.