Loading Please Wait !!!
સરગમ ક્લબનો દિવ્યાંગો માટે ત્રિ-દિવસીય જયપુર ફૂટ કેમ્પ

 

68 દર્દીઓએ વિનામૂલ્યે કૃત્રિમ પગ, કેલિપર્સ અને રિપેરિંગ સેવાનો લાભ લીધો; આગામી કેમ્પ 1 ઓગસ્ટથી યોજાશે

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં સરગમ ક્લબ, જયશ્રીબેન તનસુખભાઈ સંઘવી અને કમાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. ૧થી ૩ જુલાઈ દરમિયાન દિવ્યાંગો માટે ત્રિ-દિવસીય જયપુર ફૂટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કેમ્પમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા કુલ ૬૮ દર્દીઓએ વિનામૂલ્યે સારવાર અને સહાયનો લાભ લીધો હતો, જે સમાજસેવાના ઉત્તમ ઉદાહરણરૂપ બન્યો છે. કેમ્પ દરમિયાન ૨૭ દર્દીઓને કૃત્રિમ પગ (જયપુર ફૂટ) બેસાડવામાં આવ્યા હતા, ૨૭ દર્દીઓને કેલિપર્સ આપવામાં આવ્યા હતા તેમજ ૧૪ દર્દીઓને રિપેરિંગ સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ દેલાવાળા અને જયશ્રીબેન તનસુખભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, જરૂરિયાતમંદ દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે આ પ્રકારના સેવા યજ્ઞો સતત ચાલુ રાખવામાં આવશે અને દર વર્ષે આ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

આ કેમ્પમાં જયશ્રીબેન તનસુખભાઈ સંઘવી (દુબઈ), તેજસભાઈ સંઘવી તથા તેમના પરિવારજનોનો વિશેષ સહયોગ રહ્યો હતો, જેના કારણે કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શક્યો હતો. કેમ્પની મુલાકાતે સી.પી. દલાલ, રેશાભાઈ શેઠ, ગિરીશભાઈ ગોરા, જીતુભાઈ શેઠ અને જયેશભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને આયોજકોને પ્રોત્સાહન આપ્યું હતું. કેમ્પના આયોજન અને વ્યવસ્થાપનમાં દીપકભાઈ કમાણી, રશ્મિભાઈ કમાણી, કિશોરભાઈ પરમાર, જે.કે. સરોઠ, અરવિંદભાઈ પટેલ તેમજ સરગમ ક્લબના હોદ્દેદારો અને સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આગામી જયપુર ફૂટ કેમ્પ તા. ૧ ઓગસ્ટથી ત્રણ દિવસ માટે યોજાશે, જેમાં વધુ દર્દીઓને લાભ મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.