મેડિકલ સ્ટોરમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત
-
નશાકારક અને ડુપ્લિકેટ દવાઓના વેચાણ પર રોક લગાવવા તંત્રનો નિર્ણય
-
શેડ્યુલ-H અને X દવાઓના વેચાણનું રજિસ્ટર હવેથી ડિજિટલ રાખવું પડશે
-
ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના અપાતી નશાકારક દવાઓના કાળાબજાર પર મોટી બ્રેક
-
ગેરકાયદે દવાઓ પર રોક લગાવવા રાજકોટના મેડિકલ સ્ટોર્સ માટે કડક માર્ગદર્શિકા
- મેડિકલ કાઉન્ટર પર ગ્રાહક અને દવાનું સ્પષ્ટ રેકોર્ડિંગ કરવું ફરજિયાત: મેડિકલ સ્ટોરમાં સઘન ચેકિંગ
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં નશાકારક અને ડુપ્લિકેટ દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે સીટી ન્યૂઝ દ્વારા ચલાવવામાં આવેલી ઝુંબેશની જંગી અસર જોવા મળી છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) ની સૂચનાઓનું પાલન કરીને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ મેડિકલ સ્ટોર્સ માટે ૧ નવી અને અત્યંત કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સુધાવનને ફ્રૂસ અને નશાકારક દવાઓની લતથી બચાવવાનો છે અને આ પગલાંને સીટી ન્યૂઝના સંતોષિત પત્રકારત્વનો મોટો વિજય માનવામાં આવી રહ્યો છે.
આ નવા આદેશ અનુસાર, હવેથી રાજકોટના દરેક મેડિકલ સ્ટોરના કાઉન્ટર પર ફરજિયાતપણે CCTV કેમેરા લગાવવાના રહેશે. આ કેમેરાની ગોઠવણ એવી રીતે કરવાની રહેશે કે જેથી ગ્રાહકો અને અપાતી દવાઓનું સ્પષ્ટ રેકોર્ડિંગ થઈ શકે. આ ઉપરાંત, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી દવાઓ અટકાવવા માટે શેડ્યુલ-H અને શેડ્યુલ-X અંતર્ગત તમામ દવાઓના રજિસ્ટર અને બિલિંગ સિસ્ટમનું ૧૦૦% ડિજિટલાઈઝેશન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નિયમો માત્ર કાગળ પર જ ન રહી જાય તે માટે ૪ વિવિધ સરકારી વિભાગોની ૧ સંયુક્ત ટીમ મેદાનમાં ઉતારવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ વિભાગ, નશાબંધી વિભાગ અને બાળ સંરક્ષણ વિભાગની ટુકડીઓ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ૪ વિભાગોની બાજ નજર હેઠળ ગેરરીતિ પકડવા સઘન પ્રયાસો હાથ ધરાશે. જો કોઈ પણ મેડિકલ સ્ટોર સંચાલક આ નિયમોનું ઉલ્લંઘન કરતો પકડાશે, કેમેરા બંધ હાલતમાં હશે કે ડિજિટલ રેકોર્ડ નહીં મળે, તો તેની સામે કાયદેસરની આકરી કાર્યવાહી કરાશે અને જરૂર પડ્યે દુકાનનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે. સીટી ન્યૂઝ ભવિષ્યમાં પણ આવા જનહિતના મુદ્દાઓ ઉઠાવીને કાળાબજારીયાઓ સામે અવાજ બુલંદ કરતું રહેશે.