Loading Please Wait !!!
બોલેરો ચાલકે પોલીસમેનને ઠોકરે લઈ પોલીસ સ્ટેશનમાં મચાવી ધમાલ

 

» મારા ભાઈને પોલીસ મથકે કેમ લઈને આવ્યા બધા પટ્ટા ઉતરાવી નાખીશ કહી રોફ જમાવ્યો » કાર ચાલક સહિત ત્રિપુટી સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટનો ગુનો

સીટી ન્યૂઝ@રાજકોટ

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની પકડ ઢીલી પડી હોય લુખ્ખાઓ બેકાબૂ બન્યા છે. સામાન્ય લોકો તો ઠીક હવે પોલીસ પણ લુખ્ખાઓનો શિકાર બનતી હોવાના બનાવો વધ્યા છે. પુરપાટ કારે પોલીસમેનને ઠોકરે લીધા બાદ પોલીસ મથકે ધસી આવેલા અન્ય બે શખ્સોએ મારા ભાઈને કોણ લઈને આવ્યું તમારા ટોપી, પટ્ટા ઉતરાવી નાખીશ કહી આજીડેમ પોલીસ મથકમાં ધમાલ મચાવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. પોલીસ બજાવતા પોલીસમેન રામજીભાઈ ભોળાભાઈ ટાઢાણી જયનગર મેઈન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સવારે પુરપાટ બોલેરો કાર ના ચાલક રાહુલ રાજેશભાઈ ગોંકલીયાએ કોન્સ્ટેબલના મોટરસાયકલ ને જોરદાર ઠક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાઈકને નુકસાન થયું હતું.

જ્યારે કોન્સ્ટેબલે કાર ચાલકની પૂછતાછ કરતા ત્યારે આરોપી રાહુલે ઉદ્ધત વર્તન કરી તેના ભાઈઓ પ્રિન્સ ભારથી અને પાર્થ ભારથીને ફોન કરીને આજીડેમ પોલીસ સ્ટેશનના ઈન્વેસ્ટિગેશન રૂમમાં બોલાવી લીધા હતા. પોલીસ મથકની અંદર જ ત્રણેય આરોપીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને આજીડેમ પોલીસ સ્ટેશને તમારા બધાના પટ્ટા ઉતરાવી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ આપી સરકારી ફરજમાં ગંભીર રૂકાવટ ઊભી કરી હતી. આજીડેમ પોલીસે કોન્સ્ટેબલ રામજીભાઈની ફરિયાદના આધારે આરોપીઓ સામે રૂકાવટ સહિતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.