Loading Please Wait !!!
20 લાખના ચેક રિટર્ન કેસમાં વેવાઈને એક વર્ષની સજા

  • એક માસમાં રકમ નહીં ચૂકવે તો વધુ 2 મહિનાની સજા

સીટી ન્યૂઝ@રાજકોટ

વેવાઈ પાસેથી લીધેલી રૂ. ૨૦,૦૦,૦૦૦ની રકમ પરત કરવા આપેલો ચેક રિટર્ન થતાં દાખલ થયેલા કેસમાં રાજકોટની અદાલતે આરોપી છગન કાનજીભાઈ કપુરીયાને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. ઉપરાંત અદાલતે ફરિયાદીને રૂ. ૨૦,૦૦,૦૦૦ એક માસની અંદર વળતર તરીકે ચૂકવવાનો સ્પષ્ટ હુકમ કર્યો છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં આ રકમ ચૂકવવામાં નહીં આવે તો આરોપીને વધુ ૨ મહિનાની સાદી કેદ ભોગવવાની રહેશે, એમ પણ અદાલતે જણાવ્યું છે.

કેસની હકીકત મુજબ પર્ણકુટી મેઈન રોડ વિસ્તારમાં રહેતા કિશોર નાથાભાઈ કુંભારે તેમના વેવાઈ છગન કાનજીભાઈ કપુરીયાને સંબંધના વિશ્વાસે રૂ. ૨૦ લાખ આપ્યા હતા. આરોપી બાંધકામના વ્યવસાયમાં આર્થિક મુશ્કેલીમાં હોવાને કારણે આ રકમ લેવામાં આવી હતી. બાદમાં રકમ પરત કરવા આરોપીએ ચેક આપ્યો હતો, પરંતુ બેંકમાં રજૂ કરતાં પૂરતા ભંડોળના અભાવે ચેક પરત ફર્યો હતો. કાયદેસરની નોટિસ પાઠવ્યા છતાં પણ રકમ પરત ન મળતાં ફરિયાદીએ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી.

કેસ દરમિયાન આરોપીએ કટકે-કટકે રૂ. ૮.૬૦ લાખની ચુકવણી કરી હતી, પરંતુ બાકી રહેલી રૂ. ૧૧.૧૦ લાખની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યો હતો. ફરિયાદી તરફે રજૂ કરાયેલા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાના આધારે અદાલતે માન્યું હતું કે ચેક કાયદેસરના દેવાની ચુકવણી માટે જારી કરવામાં આવ્યો હતો. ચેક અથવા તેના પરની સહી અંગે આરોપીએ કોઈ વિવાદ કર્યો નહોતો તેમજ ફરિયાદીના પુરાવાનું વિશ્વસનીય ખંડન પણ કરી શક્યો નહોતો.

મહેસુલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તમામ પુરાવા, દલીલો અને કેસની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ આરોપીને દોષિત ઠેરવી એક વર્ષની સજા તથા રૂ. ૨૦ લાખ વળતર ચૂકવવાનો ચુકાદો આપ્યો હતો. અદાલતે નોંધ્યું હતું કે ફરિયાદીએ એન.આઈ. એક્ટના તમામ જરૂરી તત્વો પુરવાર કર્યા છે અને આરોપી તરફથી કોઈ મજબૂત બચાવ રજૂ કરવામાં આવ્યો નથી.

ફરિયાદી કિશોરભાઈ કુંભાર તરફે એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃષ્ણાલ શાહી, ચેતન ચોવટિયા, જસ્મિન દુધાતરા, જય પીઠડા, યુવરાજ વેકરિયા, ભાવિન ખૂંટ અને સાહિલ કંટારિયાએ દલીલો રજૂ કરી હતી. એડવોકેટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે વ્યક્તિઓ વચ્ચેના વિશ્વાસ અને સંબંધો તોડનારા આવા કેસોમાં રહેમ રાખી શકાય નહીં અને આવા ગુનાઓ સામે કડક વલણ જરૂરી છે.