Loading Please Wait !!!
હાઈકોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસે ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ

 

» સરપન્ડને બદલે ડિસમીસ જ કરવાની સરકારને અપીલ; TRP કેસના આરોપીઓને 2 વર્ષ અડધો પગાર ચૂકવ્યાનો આક્ષેપ

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી અને પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, નાગજીભાઈ વિરાણી અને જયંતિભાઈ હિરપરાએ સંયુક્ત નિવેદન જાહેર કરીને રાજ્ય સરકાર સમક્ષ ભ્રષ્ટાચારના કેસોમાં સંડોવાયેલા અધિકારીઓ સામે માત્ર સસ્પેન્ડ (સરપન્ડ) નહીં પરંતુ સીધી ડિસમીસ કરવાની માંગ ઉઠાવી છે. તેમણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે કડક વલણ અપનાવવું સમયની માંગ બની ગઈ છે. કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે રાજ્યમાં લાંચ અને ભ્રષ્ટાચારના કેસોમાં ઝડપાયેલા અધિકારીઓ સામે ઘણીવાર માત્ર સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવે છે, જેના કારણે તેઓ લાંબા સમય સુધી અડધો પગાર મેળવતા રહે છે અને બાદમાં ફરીથી સરકારી સેવામાં ગોઠવાઈ જાય છે. તેમના જણાવ્યા મુજબ આ પ્રથા ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે અને તંત્રની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઊભું કરે છે. તેમણે ઉમેર્યું કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ગંભીર બેદરકારી અથવા ભ્રષ્ટાચારના કેસોમાં કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી જરૂરી છે. નિવેદનમાં રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડનો ઉલ્લેખ કરતાં આગેવાનોએ દાવો કર્યો છે કે આ કેસમાં સંડોવાયેલા અધિકારીઓને લાંબા સમય સુધી અડધો પગાર ચૂકવવામાં આવ્યો હતો, જે ગંભીર બાબત છે. હાઈકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાના ૬ અધિકારીઓને બરતરફ કરવાની કાર્યવાહીનું તેમણે સ્વાગત કરતાં જણાવ્યું હતું કે આ નિર્ણય ભવિષ્ય માટે માર્ગદર્શક સાબિત થઈ શકે છે. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે હાઈકોર્ટનો નિર્ણય સરકારી તંત્ર માટે ચેતવણીરૂપ છે અને ભવિષ્યમાં સરકારી ફરજમાં ગંભીર બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી થવી જોઈએ. તેમણે રાજ્ય સરકારને ભ્રષ્ટાચાર અને ફરજમાં બેદરકારીના કેસોમાં વધુ કડક નીતિ અપનાવી પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.