ભાજપના કોર્પોરેટરે જ કહ્યું ડામર રોડમાં ભ્રષ્ટાચાર થયો છે!
પેચવર્ક કર્યા વિના જ 250 ટન ડામર ગાયબ
વોર્ડ નં. 7માં વિજય પ્લોટ, દિવાનપરા જેવા વિસ્તારોમાં પેચવર્ક થયું જ નથી
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના વહીવટમાં હાલ ગંભીર ગેરરીતિઓના આક્ષેપોએ ભારે હોબાળો મચાવ્યો છે. શહેરના વોર્ડ નં. 7માં ડામર પેચવર્કની કામગીરીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના જ એક કોર્પોરેટરે કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શહેરમાં વોર્ડ નં. 7માં હાથ ધરવામાં આવેલા પેચવર્ક કામમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટમાં બે મહત્વના પ્રોજેક્ટ્સ સામે ભાજપના જ પદાધિકારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
સ્થાનિકો અને કોર્પોરેટરના જણાવ્યા મુજબ, કામગીરી માટે કાગળ પર 250 ટન ડામર વપરાયું દર્શાવવામાં આવ્યું છે પરંતુ વાસ્તવિકતામાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામ જ થયું નથી. વિજય પ્લોટ અને દિવાનપરા જેવા વિસ્તારોમાં તો પેચવર્કનું નામનિશાન નથી. સ્થાનિક રહેવાસીઓએ રોષ ઠાલવતા કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં રોડના કામો થયા જ નથી અને મજબૂરીમાં પ્રજાને પોતાના ખર્ચે ખાડા પૂરવા પડે છે. આ મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં ગંભીર બાબત છે. સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ પાસે ખુલાસો માંગવામાં આવશે અને જો ગેરરીતિ સાબિત થશે તો દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
એક તરફ રોડના કામોનો વિવાદ ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ કટારિયા ચોકડી પાસેની આવાસ યોજના પણ વિવાદમાં સપડાઈ છે. 505 આવાસોની આ યોજનાની ટેન્ડર પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ ભાજપના જ મહામંત્રી અને કોર્પોરેટરોએ તેનો વિરોધ નોંધાવ્યો છે. ભાજપના નેતા વલ્લભ દુધાત્રા અને દિલીપ લુણાગરીયાએ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાને રજૂઆત કરી છે કે આવાસ માટે પસંદ કરાયેલ પ્લોટની જગ્યા બદલવી જોઈએ.જો આવાસ યોજના અન્ય રોડ-ટચ પ્લોટ પર બનાવવામાં આવે તો મનપાને વધુ આર્થિક ફાયદો થઈ શકે તેમ છે. સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું હતું કે, પ્લોટનો હેતુફેર કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે તેથી આ મામલે સરકારમાં પત્રવ્યવહાર કરી રજૂઆત કરવી પડશે.