Loading Please Wait !!!
ડેપો સમય કરતા વહેલો બંધ થઈ જતા મુસાફરોને ભારે હાલાકી : ચંદ્રેશ રાઠોડ

રાજકોટ એસ.ટી બસપોર્ટ વોલ્વો ડેપોમાં ગુટલીબાજોનું રાજ

ગુટલીબાજો સામે કડક પગલાં ભરવા અને રાત્રે 2 સુધી વેઈટિંગ રૂમ ખુલ્લો રાખવા મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી, ધારાસભ્યોને લેખિત રજૂઆત

સિટી ન્યૂઝ | રાજકોટ

સામાજિક આગેવાન ચંદ્રેશભાઈ એમ. રાઠોડે રાજકોટ એસ.ટી. બસપોર્ટના વોલ્વો ડેપોમાં વેઈટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ કાઉન્ટર નિયત સમય પહેલાં બંધ કરી દેવામાં આવતો હોવાનો આક્ષેપ કરી મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે વોલ્વો વેઈટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમનો સમય સવારે ૫થી રાત્રે ૧૦ વાગ્યા સુધીનો દર્શાવવામાં આવ્યો છે. તેમ છતાં ડેપો એકથી દોઢ કલાક વહેલો બંધ કરી દેવામાં આવતો હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વેઈટિંગ રૂમ બંધ થતાં મુસાફરોને બહાર પ્લેટફોર્મ પર બેસવું પડે છે, જ્યાં પંખા જેવી મૂળભૂત સુવિધાનો પણ અભાવ હોવાનું જણાવાયું છે. ચંદ્રેશભાઈ રાઠોડે જણાવ્યું કે ૧૦ જુલાઈએ રાત્રે આશરે ૯:૧૫ વાગ્યે વડોદરા જવા માટે માહિતી અને ટિકિટ લેવા પહોંચતા જોવા મળ્યા હતા, ત્યાં હાજર કેન્ટીનના કર્મચારીએ રોજ રાત્રે ૮:૩૦થી ૯ વાગ્યા દરમિયાન રૂમ બંધ થઈ જતો હોવાનું જણાવ્યું હતું.

આ મામલે મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી, વિભાગીય અધિકારીઓ તથા ધારાસભ્યોને કરાયેલી રજૂઆતમાં,

  • (૧) વોલ્વો ડેપો નો વોલ્વો વેઈટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ રાત્રે ૨:૦૦ વાગ્યા સુધી ખુલ્લો રાખવો

  • (૨) રાજકોટ થી ઉપડતી વોલ્વો ડેપો ની ઈલેક્ટ્રિક બસો અને વોલ્વો ડેપો ની બસો અંગેના સમયપત્રક લગાવવા

  • (૩) છેલ્લા છ માસના સીસી ફૂટેજ મેળવી વોલ્વો વેઈટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ એક થી દોઢ કલાક વહેલો બંધ થયેલ હોય તો જવાબદારો સામે કડક પગલાં ભરવા.

  • (૪) વોલ્વો ડેપો અંગે રાઉન્ડ ધ કલોક પૂછપરછ બારી શરૂ કરો.

  • (૫) પૂછપરછ બારી અંગેના સાઈન બોર્ડ મુકાવો.

  • (૬) વોલ્વો બસોના એડવાન્સ બુકિંગ અંગે ૨૪ કલાકનો ઇન્કવાયરી નંબર તાત્કાલિક જાહેર કરો.