રાજકોટમાં હિંગળાજનગરમાં ડિમોલિશનની તૈયારી: નોટિસો અપાતા લોકોમાં રોષ
70 ઝુપડા હટાવી કરોડોની જમીન ખુલ્લી કરાશે
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક ડિમોલિશનની તૈયારી શરૂ કરવામાં આવી છે. વેસ્ટ ઝોનનાં અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક નવનિર્મિત ટ્વિન્સ ટાવર પાસેનાં હિંગળાજનગરમાં લાંબા સમયથી ખડકાયેલા ૭૦ જેટલાં ઝુપડા ખાલી કરવા મહાપાલિકાએ નોટિસ આપી છે, તેમજ વિજીલન્સ વિભાગને સાથે રાખીને આ પ્લોટનું ડિમાર્કેશન પણ કરવામાં આવ્યું છે. જોકે અહીં રહેતા લોકો ૫૦ વર્ષ કરતા વધુ સમયથી વસવાટ કરતા હોવાથી તેમને ૧૫ દિવસમાં ખાલી કરવાની નોટિસ અપાતા ભારે રોષ જોવા મળ્યો છે. ચોમાસા બાદ આ કાર્યવાહી કરાય અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ નજીક આવેલો આ પ્લોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા હસ્તકનો છે. આ ટીપી પ્લોટમાં દાયકાઓ જૂની ઝૂંપડપટ્ટી આવેલી છે, જેને ખાલી કરાવવા મનપાએ અગાઉ પણ વહીવટી પ્રક્રિયા હાથ ધરી હતી, પરંતુ મામલો અદાલતમાં જતાં કામગીરી અટકી પડી હતી. તાજેતરમાં જ આ કાનૂની વિવાદનો ચુકાદો મહાનગરપાલિકાની તરફણમાં આવતાં હવે તંત્ર માટે દબાણો દૂર કરવાનો માર્ગ મોકળો બન્યો છે. આ જમીન પર પીપીપી ધોરણે આવાસ યોજના આકાર લેનાર છે, જેમાં મનપા દ્વારા ૨૦ ટકા જગ્યા ફાળવવામાં આવશે. વેસ્ટ ઝોનના એટીપી ભાર્ગવ બારેવાડિયા દ્વારા સ્થાનિકોને કલમ ૨૬૦-૨ હેઠળ સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા ૧૫ દિવસની આખરી ચેતવણી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, એકતરફ ચોમાસુ માથા ઉપર છે તો બીજીતરફ મનપા દ્વારા છેલ્લા ૫૦ કરતા વધારે વર્ષોથી કાચા-પાકા મકાનોમાં હિંગળાજનગરમાં વસવાટ કરતા ૭૦ આસામીઓને તેમના મકાનો ખાલી કરવાની નોટિસો આપવામાં આવી છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે, તેઓ ૩-૩ પેઢીથી અહીં વસવાટ કરે છે અને નિયમ અનુસાર વેરાઓ પણ ભરી રહ્યા છે. છતાં ચોમાસાનાં આ સમયમાં તેમને મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જેણે લઈને હવે ક્યાં જવું અને શું કરવું તે સમજાતું નથી. ત્યારે તંત્ર દ્વારા ડિમોલિશન કરતા પહેલા કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. ત્યારે હવે તંત્ર દ્વારા આગામી સમયમાં ક્યારે અને શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.