નકલી માલનો મોટો કાળો કારોબાર!
=> ગુજરાતમાં ડુપ્લીકેટ વસ્તુઓની બોલબાલા
=> ડુપ્લીકેટ માલ રાજસ્થાનથી લાવી અમદાવાદમાં વેચતા હોવાની શક્યતા
=> સિગારેટની તપાસમાં ગયેલી ક્રાઇમ બ્રાન્ચને ડુપ્લીકેટ વસ્તુનો ઢગલો મળ્યો
=> ડુપ્લીકેટ વસ્તુઓ લાવી વેચાણ કરતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
=> રાજસ્થાનથી અમદાવાદ સુધીનો નકલી માલનો કાળો કારોબાર !
સિટી ન્યૂઝ@અમદાવાદ
નામાંકિત કંપનીઓના નામનો દુરુપયોગ કરી અમદાવાદ શહેરમાં ડુપ્લીકેટ વસ્તુ વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે શહેરના ત્રણ ગોડાઉન પર દરોડો પાડી માર્લબોરો, વાઘબકરી, પીડીલાઈટ, અમૂલ, સાગર, એરિયલ જેવી કંપનીઓના નામે વેચાતી ડુપ્લીકેટ ચીજવસ્તુઓ ઝડપી પાડી છે. ડુપ્લીકેટ સિગારેટની બાતમીના આધારે પોલીસ જ્યારે ગોડાઉન પર પહોંચી તો દ્રશ્યો જોઈ ચોંકી ઉઠી હતી. કારણ કે, ગોડાઉનમાં તો સિગારેટની સાથે ઘી, બીડી, ફેવીક્વિક, મસાલા, પાનમસાલા, ચાની ભૂકી સહિતનો ડુપ્લીકેટ જથ્થો મળી આવ્યો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી રૂપિયા ૨૦ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ તમામ માલ રાજસ્થાનમાં બનતો અને ત્યાંથી અમદાવાદ લાવી વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યું કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, બજારમાં કેન્સરની ચેતવણી વિનાની ડુપ્લીકેટ સિગારેટ વેચાઈ રહી છે. આ માહિતીના આધારે ગોલ્ડફ્લેક અને માલબોરો કંપનીના ડીલરને બોલાવી ખરાઈ કરી અને પછી એક ડિકોય ગોઠવીને ચાંદલોડિયાથી અરુણકુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા નામના બે ભાઈઓને પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ૩.૨૫ લાખની નકલી સિગારેટ મળી આવી. તેમની પૂછપરછમાં સુજીત પોદારનું નામ ખૂલતાં અમે રેલવે ઓવરબ્રિજ વિસ્તારમાં આવેલા તેના બે ગોડાઉનમાં રેડ કરી હતી.
ગોડાઉનમાંથી સિગારેટ ઉપરાંત રોજીંદી વપરાશની નકલી ચીજવસ્તુઓ જેવી કે વાઘ બકરી ચા, અમૂલ અને સાગર ઘી, સર્ફ એક્સેલ, હારપીક અને એવરેસ્ટના મસાલા સહિત અંદાજે ૧૨.૫૦ લાખનો બનાવટી મુદ્દામાલ મળ્યો હતો. સુજીત છેલ્લા દોઢ વર્ષથી શબ્બીર, પવન સિંધી અને જગદીશ પટેલ નામના શખ્સો પાસેથી વધુ નફાની લાલચમાં આ નકલી માલ લાવતો હતો અને બે ભાઈઓ ગ્રાહકોની ડિમાન્ડ મુજબ ડિલિવરી પહોંચાડવાનું કામ કરતા હતા. પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને નકલી માલ પૂરો પાડનાર મુખ્ય સપ્લાયરો, જેઓ અત્યારે ગુજરાતની બહાર છે, તેમને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ નકલી વસ્તુઓનું ઉત્પાદન મોટાભાગે રાજસ્થાનમાં થાય છે અને આ લોકો ફેરિયાઓ મારફતે આર્થિક રીતે નબળા વિસ્તારોની નાની દુકાનોમાં આ માલ વેચતા હતા. પકડાયેલી તમામ વસ્તુઓ લોકોના સ્વાસ્થ્ય સાથે અને ખાણીપીણી સાથે જોડાયેલી હોવાથી તેને પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવી છે અને સંબંધિત વિભાગોને પણ જાણ કરી છે. કોપીરાઈટ એક્ટ મુજબ કાર્યવાહી કરી રહ્યા છીએ અને પૃથ્થકરણના અહેવાલો આવ્યા બાદ આગળની તપાસની જરૂરિયાત મુજબ તેમાં અન્ય કલમો ઉમેરવામાં આવશે.
પોલીસે આ નકલી વસ્તુઓ કબજે કરી
| વસ્તુ | પેકેટ | કિંમત |
| ગોલ્ડફ્લેક સિગારેટ | 640 | 80,000 |
| માલબોરો સિગારેટ | 1610 | 5,34,000 |
| વાઘબકરી ચા | 13,658 | 4,06,000 |
| એવરેસ્ટ ચિકન મસાલા | 31,410 | 1,54,700 |
| અમુલ ઘી પાઉચ | 325 | 1,02,375 |
| સાગર ઘી પાઉચ | 70 | 23,100 |
| હાર્પિક ટોયલેટ ક્લિનર | 48 | 5,280 |
| ટાઈડ, એરિયલ, સર્ફ એક્સેલ | ---- | 1,52,200 |
| જલારામ મસાલા | ---- | 64,800 |
| નેસકાફે કોફી | 3300 | 33,000 |
| તાજમહલ મસાલા | 100 | 20,000 |
| ફેવિક્વિક | 5400 | 27,000 |
| જવલંતપાન બીડી | 4140 | 61,400 |