ફેમસ બા; સ્કુલની બહાર બાળકો માટે નાસ્તો વહેંચી ગુજરાન ચલાવે છે
રાજકોટમાં સ્કોર્પિયોમાં બાએ કર્યા ખતરનાક સ્ટંટ
વાયરલ બાએ કહ્યું; આ બધુ અચાનક થઈ ગયું; હું એકલી જ છું અને હવે 70 વર્ષ થઈ ગયા છે હું પહેલાથી ફેમસ છું બે વર્ષથી વીડિયો બનાવું છું
સીટી ન્યૂઝ@નવી દિલ્હી
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને લાઈક્સ-વ્યૂઝ મેળવવા માટે યુવા પેઢી રીલ્સ બનાવીને વાહનો પર જોખમી સ્ટંટ કરતી હોવાના અનેક કિસ્સાઓ અને વીડિયો અત્યાર સુધી સામે આવ્યા છે પરંતુ, રંગીલા રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વૃદ્ધાને પણ સોશિયલ મીડિયા રીલ્સનો એવો ચસ્કો લાગ્યો છે કે તેમણે ચાલુ સ્કોર્પિયો કારે જોખમી સ્ટંટ કરી નાખ્યો હતો. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેને પગલે રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસે તાત્કાલિક ધોરણે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક શાસ્ત્રી મેદાન ખાતે આ અજીબોગરીબ ઘટના ઘટી હતી. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મેદાનની અંદર એક કાળા કલરની લક્ઝરિયસ સ્કોર્પિયો કાર (જેનો રજીસ્ટ્રેશન નંબર GJ.03.PR.0090 છે) ગોળ-ગોળ ફરી રહી છે. આ ચાલુ કારનો આગળનો દરવાજો ખોલીને, તેના ફૂટ સ્ટેપ (પગથિયા) પર એક વૃદ્ધા જોખમી રીતે ઊભા છે. વીડિયો શૂટિંગ દરમિયાન તેઓ ફિલ્મી અંદાજમાં હાથ ફલાવીને સ્ટેગ બતાવી રહ્યા છે અને સ્ટંટનો આ લ્હાવો માણી રહ્યા છે. આ વાઈરલ વીડિયોમાં દેખાતી કાળા કલરની સ્કોર્પિયો કારના કાચ પણ નિયમ વિરુદ્ધ કાળા (ટીન્ટેડ ગ્લાસ) હોવાનું નજરે પડે છે. વીડિયોમાં કારની સ્પીડ પ્રમાણમાં સાવ ધીમી રાખવામાં આવી છે, પરંતુ કાયદા અને સુરક્ષાની દ્રષ્ટિએ આ પ્રકારની બેદરકારી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ચાલુ કારે જો વૃદ્ધાની એક નાની સરખી ભૂલ થાય, પગ લપસે કે ડ્રાઈવરની નજર ચૂક થાય, તો વૃદ્ધા સીધા કારના વ્હીલ નીચે આવી શકે છે.