Loading Please Wait !!!
ભીંડી જ્વેલર્સના માલિક 1.25 કરોડનું ફૂલેકું ફેરવી ફરાર

  • રાજકોટમાં સોનાના દાગીના લઈ 19 વેપારીઓને ચૂનો ચોપડ્યો
  • 19 વેપારીઓએ પોલીસ કમિશનરને કરી રજૂઆત

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ભીંડી જ્વેલર્સના વિકાસ ભીંડીએ રૂ.૧.૨૫ કરોડનું ફૂલેકુ ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે. સોનાનો માલ લઈ નાણાં ન ચૂકવતા સોની વેપારીએ ૧૯ વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે. જોકે હાલ ૬ વેપારીઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને ન્યાય આપવાની માંગણી કરી છે. હેમલ લોઢીયાએ જણાવ્યું હતું કે, તુલજા ભવાની પેલેસ પેઢી ધરાવું છું. વિકાસ જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડના માલિક વિકાસ ભીંડીએ અમે સોનાનો માલ આપતા હતા અને અચાનક એક દિવસ દુકાને તાળા મારીને નીકળી ગયા. ૧૫ દિવસ બાદ તેઓ પરત આવ્યા અને ૧૯ જેટલા વેપારીઓને બોલાવી તેની સાથે બેઠક કરી અને બધાને કહ્યું હતું, અમે તમારું સોનુ પરત આપી દેશું જેનું વિડિયો રેકોર્ડિંગ પણ અમારી પાસે છે. જેથી અમે કહ્યું કે તમે કંઈક લેખિતમાં આપો. જોકે અમને જવાબ મળ્યો કે અમે લેખિતમાં ન આપીએ અને અમારી રીતે આપી દઈશું તેવું કહી અમારી સાથે છેતરપિંડી કરી છે. અમે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે અમને ન્યાય આપવામાં આવે. અમે ૬ વેપારીઓએ અરજી કરી છે અને અમારું ૮૦૦ ગ્રામથી વધુ સોનુ છે. જ્યારે એડવોકેટ પરેશ કુકડિયાએ જણાવ્યું હતું કે, હિમાંશુ પાલા, હિરેનભાઈ, ભુપત લોઢીયા, રક્ષિત લોઢીયા, હેમલ લોઢીયા અને દીપેન લોઢીયા ઉપરાંત ૧૯ વેપારીઓ સાથે વિકાસ સોની અને તેમના પત્ની બીનાબેન સોની ઉપરાંત જયકિશન ગેરવાણીયા દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. જેઓ વેપારીઓ પાસેથી માલ લઈ રૂ.૧.૨૫ કરોડ પરત આપ્યા નથી.