Loading Please Wait !!!
ગોંડલમાં દારૂની ફૂટેવથી કંટાળેલા માતા-પિતાએ જ દીકરાની હત્યા કરી

પુત્રએ આપઘાત કરવાનું તરકટ રચ્યું હતું અંતે ભાંડો ફૂટ્યો

સીટી ન્યૂઝ@ગોંડલ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં ૩૦ જૂનના રોજ બનેલા ૨૩ વર્ષીય યુવાનના રહસ્યમય મોત કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શરૂઆતમાં જેને આપઘાત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે હકીકતમાં સગા માતા-પિતાએ જ પોતાના પુત્રની ઘાતકી હત્યા કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દારૂની ફૂટેવને કારણે ઘરમાં સતત થતા ઝઘડાઓથી કંટાળીને માતા-પિતાએ આ ભયાનક કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસ મુજબ, મૃતક રામ બાબુભાઈ બાંભવાને દારૂ પીવાની ટેવ હતી, જેના કારણે પિતા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈ ધુધાભાઈ બાંભવા અને માતા મનીષાબેન ઉર્ફે મોતીબેન સાથે વારંવાર વિવાદ થતો હતો. ૩૦ જૂનના રોજ પણ આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો વધતાં માતાએ પુત્રને બળજબરીથી એસિડ પીવડાવ્યું હતું, જ્યારે પિતાએ માર માર્યા બાદ ગળેટૂંપો આપી તેની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ઘટનાને આપઘાતનો રંગ આપવા માટે આરોપી પિતાએ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઝડપથી પેનલ પોસ્ટમોર્ટમ થઈ જાય તે માટે કેટલાક રાજકીય આગેવાનો અને સ્થાનિક નેતાઓ મારફતે ભલામણો પણ કરાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે, પોલીસની સઘન તપાસમાં સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટતા આરોપીઓ કાયદાની પકડમાંથી બચી શક્યા નહોતા. આ સમગ્ર મામલે મૃતકની ચાર મહિના પહેલા જ પરણેલી પત્ની વંશીબેન બાંભવાએ પોતાના સાસુ-સસરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સહિતા (BNS)ની કલમ ૧૦૩(૧), ૧૨૪ અને ૫૪ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.

આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર યુ.આર. ડામોર કરી રહ્યા છે. ગુંદાળા ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં એરેટી ફેલાવી છે. પોતાના જ માતા-પિતા દ્વારા પુત્રની હત્યાની ઘટના સામે આવતાં સમાજમાં પણ ભારે ચકચાર મચી છે.