ગોંડલમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રોકડ-કાર લૂંટી લેનાર બે મહિલા સહિત ચાર ઝડપાયા
- ■ બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપી તેની જ કારમાં અપહરણ કરી લખાણ કરાવ્યું'તું
- ■ મિત્રે જ કાવતરું ઘડ્યું હતું : વાહનો સહિત 5.51 લાખનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ
સીટી ન્યૂઝ@ગોંડલ
ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક ખેડૂતને આ ગેંગ દ્વારા શિકાર બનાવવામાં આવ્યો હતો. આરોપી સંગીતાએ ખેડૂતને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને ગોંડલ બોલાવ્યો હતો. જ્યારે ખેડૂત ત્યાં પહોંચ્યો ત્યારે આરોપી ઈમરાન અને તેની માતાએ ખેડૂતને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ એમ પણ કહ્યું હતું કે તેમણે અગાઉ ૬ મર્ડર કર્યા છે અને આ ૧૦ મું થશે, અને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. આરોપીઓએ રૂમમાં ગોંધી રાખીને પહેલા ૪૦૦૦ રૂપિયા રોકડા પડાવી લીધા ત્યારબાદ ૫ લાખ રૂપિયાની માંગણી કરી ખેડૂત પાસે રોકડા ન હોવાથી તેની ૪ લાખ રૂપિયાની કિંમતની ક્રેટા કાર બળજબરીથી પડાવી લીધી. ત્યારબાદ અન્ય એક આરોપી દશરથ સાથે મળીને ખેડૂતનું તેની જ કારમાં અપહરણ કરી, બળજબરીથી લખાણ પર સહીઓ કરાવી લીધી હતી.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ગોંડલ બી ડિવિઝનના પોલીસ ઈન્સ્પેક્ટર જે.આર. ઝાલા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગણતરીના કલાકોમાં જ પોલીસે તમામ ૪ આરોપીઓ જેવાકે દશરથભાઈ જેન્તીભાઈ સરવૈયા (રહે. નવાગામ, રાજકોટ), ઈમરાન મહેમૂદશા શાહમદર (રહે. નવાગામ, રાજકોટ), હસીનાબેન મહેમૂદશા શાહમદર (રહે. નવાગામ, રાજકોટ), સંગીતાબેન મયુરભાઈ અગેચણીયા (રહે. નવાગામ, રાજકોટ)ને દબોચી લીધા હતા. અને પોલીસે આરોપીઓ પાસેથી ૪ લાખની ક્રેટા કાર, એક સીએનજી રીક્ષા, એક એક્ટિવા, ૫ મોબાઈલ ફોન, ગુનામાં વપરાયેલ છરી, રોકડા રૂપિયા ૪૦૦0 અને લખાણ કરેલા કાગળો મળી કુલ રૂપિયા ૫,૫૧,૦૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગોંડલ બી ડિવિઝન પોલીસે આ સફળ ઓપરેશન પાર પાડવાની સાથે જ જાહેર જનતાને એક અપીલ પણ કરી છે. 'જો અન્ય કોઈ વ્યક્તિ આ આરોપીઓના હનીટ્રેપ કે બળજબરીથી પૈસા પડાવવાના ગુનાનો ભોગ બન્યા હોય, તો તેઓ મુક્તપણે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો રૂબરૂ અથવા તેમના ફોન નંબર ૬૩૫૯૬ ૨૫૭૦૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.