પુસ્તકો નથી તો પ્રવેશોત્સવ કેમ?
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના સવાલોથી તંત્ર બેકફૂટ પર !
ગોપાલની રજૂઆત બાદ IPS અને IAS અધિકારીઓએ શાળા પ્રવેશોત્સવમાં આવવાની ના પાડી
સીટી ન્યૂઝ@વિસાવદર
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય તરીકે મેં એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જૂનાગઢ જિલ્લાની સરકારી શાળાઓને સરકાર તરફથી આપવામાં આવતા મફત પાઠ્યપુસ્તકોમાંથી કેટલાં પુસ્તકો પહોંચ્યા છે, કેટલાં હજુ બાકી છે અને બાકીનાં પુસ્તકો ક્યારે મળશે?
સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ગુજરાતી, વિજ્ઞાન, પર્યાવરણ, ભૂગોળ સહિત વિવિધ વિષયોના પુસ્તકો બાલવાટિકાથી લઈને ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે છપાવે છે. સમિતિની બેઠક દરમિયાન મેં આ મુદ્દે પ્રશ્ન પૂછ્યો હતો. શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા. મને લેખિતમાં જે જવાબ આપવામાં આવ્યો તેમાં જણાવાયું હતું કે માધ્યમિક શાળાનાં પુસ્તકો હજુ સુધી આવ્યા નથી. જોકે, મૌખિક રીતે એવું કહેવામાં આવ્યું કે આજે જ માધ્યમિક શાળાનાં પુસ્તકો આવ્યા છે. શાળાઓ ખુલ્યાને લગભગ એક મહિનો થવા આવ્યો હોવા છતાં વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચ્યાં નથી, તે ચિંતાજનક બાબત છે. મેં વધુમાં શિક્ષણ વિભાગના અધિકારીઓને પૂછ્યું કે બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨નાં પુસ્તકો આવ્યા છે કે નહીં? ત્યારે અધિકારીશ્રીએ જવાબ આપ્યો કે તે પુસ્તકો પણ હજુ આવ્યા નથી. સરકાર એક તરફ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને શાળા પ્રવેશોત્સવ ઉજવે છે. ગાંધીનગરથી મોટા અધિકારીઓ ગામડાઓમાં જઈને પોતાના હસ્તે શાળા પ્રવેશોત્સવ કરાવે છે અને વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કરવાના કાર્યક્રમો યોજે છે. પરંતુ જ્યારે વિદ્યાર્થી શાળામાં જાય છે ત્યારે તેમને માટે જરૂરી પુસ્તકો જ ઉપલબ્ધ નથી, તો તેઓ ભણશે શું?
ગુજરાતભરમાં ૮ જૂનથી વેકેશન પૂર્ણ થઈ શાળાઓ શરૂ થઈ ગઈ છે અને આજે ૨૦ જૂન થઈ ગઈ છે. શિક્ષકો શાળામાં હાજર છે, વિદ્યાર્થીઓ પણ શાળામાં આવે છે, પરંતુ પુસ્તકો વિના અભ્યાસ કેવી રીતે થઈ રહ્યો છે? વિદ્યાર્થીઓ કયા પુસ્તકથી ભણે છે અને શિક્ષકો કયા પુસ્તકના આધારે ભણાવે છે? આ બાબતની ચિંતા સરકારે કેમ નથી, તે મોટો પ્રશ્ન છે. “જો તમને શાળા પ્રવેશોત્સવ કરાવવો જ હોય, તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડવાનો "પુસ્તક પ્રવેશોત્સવ" કરો. મારી રજૂઆત છે કે એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવ ઉજવે છે, પરંતુ બીજી તરફ બાલવાટિકા સહિતના વિદ્યાર્થીઓ માટેનાં પુસ્તકો સમયસર ઉપલબ્ધ નથી.
'આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે સરકાર જ્યારે પુસ્તકો તૈયાર કરે છે, ત્યારે બાલવાટિકાનાં પુસ્તકોમાં તે વયને અનુરૂપ સાહિત્ય હોય છે, ધોરણ ૧ માટે અલગ અને ધોરણ ૨ માટે અલગ અભ્યાસ હોય છે. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો જ નથી, ત્યારે માત્ર પ્રવેશ કરાવવાથી શું ફાયદો? વિદ્યાર્થીઓને શાળામાં દાખલ તો કરી દેવાય, પરંતુ અભ્યાસ માટે જરૂરી સામગ્રી જ ન હોય તો તેઓ ભણશે કેવી રીતે? આ સમગ્ર બાબતમાં કોઈ ગંભીરતા દેખાતી નથી. સરકારી તંત્રમાં બધું લોલમલોલ ચાલી રહ્યું હોય એવું લાગે છે. એક તરફ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ મૂળભૂત જરૂરિયાત એવા પાઠ્યપુસ્તકો જ વિદ્યાર્થીઓ સુધી પહોંચતા નથી. મારી સરકારને વિનંતી છે કે પહેલાં "પુસ્તક પ્રવેશોત્સવ" યોજો. પહેલાં પુસ્તકો શાળાઓમાં પહોંચાડો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવો. હું મારા ગુજરાતના વડીલો, યુવાનો અને માતા-પિતાને પણ કહેવા માંગું છું કે હવે પ્રશ્ન પૂછવાનું શીખો. આપણા બાળકોના ભવિષ્ય માટે તો અવાજ ઉઠાવો.
ધોરાજીની શાળાનો ચોંકાવનારો ખુલાસો
સરકારી શાળામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકો જ નથી !
શું ભણશે ગુજરાત?
એક તરફ હાલ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવની મૌસમ ચાલી રહી છે. નવું સત્ર ખુલ્યા બાદ એક તરફ રાજ્યભરમાં પાઠ્યપુસ્તકોની ઘટ તો સામે આવી જ છે પરંતુ ધોરાજી ઉપલેટાની સરકારી પ્રાથમિક શાળામાં મુખ્ય વિષયો ભણાવનાર શિક્ષકો જ નથી. શાળામાં ધોરણ ૬ થી ૮ માં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી. રાજકોટ જિલ્લાના ઉપલેટાના નાગવદર ગામની સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ બોર્ડ અને કોમ્પ્યુટરની આધુનિક સુવિધાઓ તો છે પરંતુ વિદ્યાર્થીઓને ટેકનિકલ જ્ઞાન આપનારા ટેકનિકલ શિક્ષકો જ નથી. એક તરફ ડિજિટલ ઇન્ડિયા બનાવવાના દાવા કરાઈ રહ્યા છે અને શાળામાં કોમ્પ્યુટર શીખવનાર શિક્ષકોની જ કમી છે. ન માત્ર કોમ્પ્યુટર પરંતુ મુખ્ય વિષયો જેવા ગણિત-વિજ્ઞાનના શિક્ષકો પણ નથી. જેના કારણે શાળાના આચાર્ય વહીવટી કામો છોડીને બાળકોને હાલ ભણાવી રહ્યા છે. ત્યારે શાળામાં વહેલીતકે આ મુખ્ય વિષયોના શિક્ષકો મુકવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. વાલીઓ અને સ્થાનિકોનું કહેવું છે કે સરકાર દ્વારા શિક્ષણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, પરંતુ જો શાળામાં મુખ્ય વિષયોના શિક્ષકો જ નહીં હોય તો બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઉજ્વળ બનશે? ત્યારે હાલ તાત્કાલિક ધોરણો ખાલી જગ્યાઓ ભરવાની માંગ કરી છે.