સિંહોના મોતથી હાઇકોર્ટ ચિંતિત !
સીટી ન્યૂઝ@અમદાવાદ
ગુજરાત હાઇકોર્ટે વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં એશિયાટિક સિંહોના અપમૃત્યુને લઇને સમાચાર સંસ્થાઓના અહેવાલને આધારે સુઓ મોટો પિટિશન હાથ ધરી હતી. જે મુદ્દે આજે ૧૨ જૂને હાઇકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટે સિંહોના બીમારીથી મૃત્યુના સમાચાર અંગે ચિંતા વ્યક્ત કરતા તેને અપ્રિય સમાચાર કહ્યા હતાં. વળી સિંહ કોરિડોરમાં સિંહ દર્શન માટે રેલવેમાં વિસ્ટાડોમ કોચ જોડવાના સરકારના આયોજન ઉપર સરકારી વકીલને પૂછ્યું હતું.
સરકારી વકીલોએ જણાવ્યું હતું કે, સિંહોના વસવાટના વિસ્તારોમાં રેલવે લાઇન ઉપર ઇન્ટ્રુઝન ડિટેક્શન ડિવાઇસ લગાવવાની કામગીરી ચાલી રહી છે, જે ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થઇ જશે. આ ડિવાઇસ લાગી જતા રેલવે ટ્રેકના ૧૫ મીટરના વિસ્તારોમાં સિંહોની હલન ચલન ખબર પડતા, અકસ્માત ટાળી શકાશે.
સિંહ કોરિડોરમાં રેલવે લાઇનને બ્રોડગેજમાં ફેરવવાનો નિર્ણય પડતો મુકાયો છે. વળી સિંહ કોરિડોરમાં અંડરપાસ પણ પ્રિ મોન્સુન કામગીરીને લઇને સાફ કરાઇ રહ્યા છે. કોર્ટે રેલવે અને જંગલ ખાતાની સંયુક્ત કમિટી દ્વારા રિપોર્ટ રજૂ કરવા પણ નિર્દેશ આપ્યા છે.