Loading Please Wait !!!
ગુજરાત હાઉ સિંગ બોર્ડની લાલિયાવાડી : રંગોલી પાર્કમાં ગટરના ગંદા પાણી ભરાયા

 

કાલાવડ રોડ પર આવેલા રહીશો પ્રાથમિક સુવિધાઓ ઝંખતા નર્ક સમાન જીવન જીવવા મજબૂર

  • લોકો પીડાઈ રહ્યા છે અને અધિકારીઓ રજા માણવામાં મસ્ત: ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

  • પીવાના પાણીના ફાંફાં, છેલ્લા 2 મહિનાથી ગટરના પાણી છલકાતા રોગચાળો ફાટી નીકળવાની પૂરી દહેશત

  • BU પરમિશન ન હોવાથી સત્તાવાર એસોસિએશન અધ્ધરતાલ, 1154 પરિવારો ‘વાલી વગરના’ બન્યા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં ગુજરાત હાઉ સિંગ બોર્ડની ઘોર બેદરકારી અને ભ્રષ્ટ વહીવટનો વધુ એક નમૂનો કાલાવડ રોડ પર સામે આવ્યો છે. કાલાવડ રોડ પર વોર્ડ નં. ૧૧ માં ગુજરાત હાઉ સિંગ બોર્ડ દ્વારા નિર્મિત ‘રંગોલી પાર્ક’ સોસાયટીના ૧૧૫૪ ફ્લેટના રહેશો આજે મૂળભૂત સુવિધાઓના અભાવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એવી ચેમ્બર્સમાં બેસતા બાબુઓએ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કર્યા વિના જ ફ્લેટનો કબજો પધરાવી દીધો છે, અને હવે ગટરના પાણીની રેલમછેલથી આખી સોસાયટી નર્કાગારમાં ફેરવાઈ ગઈ છે.

રંગોલી પાર્ક રહેવાસી સંઘર્ષ સમિતિના જણાવ્યા મુજબ, હાઉ સિંગ બોર્ડ દ્વારા આજદિન સુધી પીવાના પાણીની કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી, જેથી રહીશો પાણી માટે વલખાં મારી રહ્યા છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે છેલ્લા ૨ મહિનાથી સોસાયટીની ગટરો ઉભરાવવાની ગંભીર સમસ્યા શરૂ થઈ છે. વરસાદ અને તંત્રની લાલિયાવાડીના કારણે ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી સોસાયટીના મુખ્ય રસ્તાઓ અને લોકોના ઘરે સુધી પહોંચી ગયા છે. ભયંકર ગંદકીના કારણે નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે.

આટલા મોટા પ્રોજેક્ટમાં હાઉ સિંગ બોર્ડની સૌથી મોટી લાપરવાહી એ છે કે આ સોસાયટીને હજુ સુધી બિન-શરતી BU (Building Use) પરમિશન પણ મળી નથી. કાયદેસરની પરમિશન ન હોવાને કારણે નિયમ મુજબ રહેવાસીઓનું સત્તાવાર એસોસિએશન પણ સ્થાપી શકાયું નથી. અધિકારીઓની આ વહીવટી લાપરવાહીને કારણે સોસાયટીનો વહીવટ ખોરવાયો છે અને ૧૧૫૪ પરિવારો જાણે ‘વાલી વગરના’ નોંધાય બની ગયા છે.

એક તરફ જનતા ગંદકી અને રોગચાળાના ભય વચ્ચે પીડાઈ રહી છે, ત્યારે બીજી તરફ જવાબદાર અધિકારીઓ રહેવાસીઓની વારંવારની ફરિયાદોને અવગણીને રજાઓ માણવામાં મશગુલ છે. કોઈ પણ જવાબદાર વ્યક્તિ સ્થળ પર આવીને વાસ્તવિક પરિસ્થિતિ જોવા પણ તૈયાર નથી. રંગોલી પાર્ક સોસાયટી રહેવાસી સંઘર્ષ સમિતિએ તંત્રને ખુલ્લી ચીમકી આપી છે કે, હાઉ સિંગ બોર્ડ તાત્કાલિક ધોરણે ગટરના પાણીનો નિકાલ કરે, પીવાના પાણીની કાયમી સુવિધા આપે અને BU પરમિશનની પ્રક્રિયા પૂર્ણ કરે. જો આગામી દિવસોમાં આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો રહેશો એકજૂટ થઈ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.