Loading Please Wait !!!
ગુજરાતમાં રૂપિયાની કમીનું કડવું સત્ય : પતિએ પત્નીને 50 હજારમાં મિત્રોને વેંચી દીધી

>> ગુજરાતના પાલનપુરની ઘટના

>>મિત્રો 7 દિવસ ગોંધી રાખી 6 લોકોએ દુષ્કર્મ કર્યું

સિટી ન્યૂઝ@બનાસકાંઠા

બનાસકાંઠાના પાલનપુરમાં સંબંધોને લજવતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મૂળ ધાનેરાના અને હાલ પાલનપુર રહેતા પતિને પોતાની પત્ની પસંદ ન હોવાથી, તેણે પત્નીથી પીછો છોડાવવા ભયાનક કાવતરું રચ્યું. પતિએ પોતાના મિત્રોને ૫૦,૦૦૦ રૂપિયામાં પત્નીને વેચી દીધી અને બચવા માટે ૧૧ મે ૨૦૨૬ના રોજ પત્ની ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી દીધી હતી.

જોકે, ૧૩ મેના રોજ આરોપી પતિ પણ ગુમ થતાં તેના પિતાએ ફરિયાદ નોંધાવી. એક જ પરિવારના ૨ સભ્યો રહસ્યમય રીતે ગુમ થતાં પોલીસે સઘન ટેકનિકલ તપાસ હાથ ધરી. પોલીસે સૌપ્રથમ આરોપી પતિને શોધીને કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે પીડિતાને પણ હેમખેમ શોધી કાઢી હતી. પીડિતાની આપવીતી મુજબ, પતિએ સંજય, અશોક અને સચિન ઠાકોર સાથે મળીને તેને જાનથી મારવાની ધમકી આપી ૫૦ હજારમાં વેચી દીધી હતી.

આરોપીઓએ તેને અજાણી જગ્યાએ ૭ દિવસ ગોંધી રાખી મરજી વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને સોનાની બુટ્ટીઓ પણ લૂંટી લીધી હતી. આ કાવતરામાં ડીસાની હીના અને ટીના ઠાકોરે પણ મદદ કરી હતી.

DYSP જે.જે. ગામીતે જણાવ્યું કે, મુખ્ય આરોપી પતિ રીઢો ગુનેગાર છે અને વિકૃત માનસિકતા ધરાવે છે. અગાઉ નોકર ચોરીના ગુના ઉપરાંત પરણિત હોવા છતાં તેણે અન્ય ૨ યુવતીઓને પણ ભગાડી હોવાનો ઇતિહાસ છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓ

>> મુખ્ય આરોપી - પતિ (પાલનપુર)

>> સ્વરૂપ અમરત ઠાકોર (થરાદ)

>> શૈલેષ ઉર્ફે સંજય હેમરાજ ઠાકોર (પાલનપુર)

>> સચિન મંગલસિંહ ઠાકોર (પાલનપુર)

>> અશોક ઠાકોર (પાલનપુર)

>> હીના ટીના ઠાકોર (ડીસા)

>> ટીના મથુર ઠાકોર (ડીસા)