પત્નીની હત્યા કરનાર પતિ વંથલી ટોલનાકા પાસેથી ઝબ્બે
=> મૃતકની ભત્રીજીને હથોડી મારવા જતા તે ભાગી જતા બચી ગઈ હતી
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં પત્નીના માથામાં હથોડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરનાર પતિ અલ્તાફભાઈને ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢ નજીક વંથલી ટોલનાકા પાસેથી ધરપકડ કરી છે. આ ચકચારી હત્યા કેસમાં પત્નીની આડા સંબંધની કબૂલાત બાદ પતિએ આવેશમાં આવીને આ ઘાતકી પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
મૃતક શિલ્પાબેન સાથે રહેતી તેમની ભત્રીજી નાયબ જીયાનીની ફરિયાદ મુજબ, અલ્તાફભાઈને રૈયાધાર ખાતે કરિયાણાની દુકાન છે. ગત તા. ૧૩.૦૫.૨૦૨૬ના રોજ શિલ્પાબેને જીતુભાઈ સાથેના સંબંધની કબૂલાત કરતા પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે છેલ્લા ૧૫ દિવસથી સતત ચાલતી હતી.
ઘટનાના દિવસે સવારે જીતુભાઈના પત્ની ભાનુબેને અલ્તાફભાઈની દુકાને પહોંચી બંને વચ્ચેની વોટ્સએપ ચેટ બતાવી હતી. આ સાંભળીને રોષે ભરાયેલા અલ્તાફભાઈ દુકાનેથી હથોડી લઈને સીધા ઘરે પહોંચ્યા હતા.
ઘરે પહોંચીને અલ્તાફભાઈએ શિલ્પાબેનનો મોબાઇલ ઝૂંટવી લીધો હતો. ભત્રીજી નાયબ વચ્ચે પડતા અલ્તાફભાઈએ તેને પણ ધક્કો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નાયબ પોલીસને જાણ કરવા બહાર દોડી ગઈ તે જ સમયે અલ્તાફભાઈએ શિલ્પાબેનના માથામાં હથોડીના ગંભીર ઘા ઝીંકી દીધા હતા. તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
હત્યા બાદ નાસી છૂટેલા અલ્તાફભાઈને પકડવા માટે યુનિવર્સિટી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો એક્શનમાં આવી હતી. બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપી અલ્તાફભાઈને વંથલી ટોલનાકા પાસેથી દબોચી લીધો હતો. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.