Loading Please Wait !!!
દિવ્યાંગ ખેડૂતની જમીન ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ કબજો કર્યાનો આરોપ !

ખેડૂત અને ધારાસભ્ય હીરા સોલંકીનો ઓડિયો વાયરલ

ધારાસભ્યએ કહ્યું કે કાયદેસર રીતે આ જમીન ખરીદી લીધી છે

સીટી ન્યૂઝ@રાજકોટ

તાજેતરમાં જાફરાબાદ પંથકમાં એક જમીનના કબજાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર એક ઓડિયો અને વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને એક ખેડૂત વચ્ચે જમીનની માલિકીને લઈને ઉગ્ર ચર્ચા થઈ રહી છે. ધારાસભ્ય દાવો કરી રહ્યા છે કે તેમણે કાયદેસર રીતે આ જમીન ખરીદી લીધી છે, જ્યારે ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે સતત લડત આપી રહ્યા છે.

આ વાયરલ ઓડિયોમાં સાંભળી શકાય છે તેમ, ભીખુભાઈ નામના એક દિવ્યાંગ ખેડૂત અને ધારાસભ્ય વચ્ચે ફોન પર વાતચીત થાય છે. ખેડૂત ભાઈ અત્યંત નમ્રતાથી પોતાની જમીન હોવાનો દાવો કરે છે, પરંતુ સામે પક્ષે તેમને જમીન ખાલી કરવા અને પોલીસની કાર્યવાહી ડર બતાવવામાં આવે છે. ખેડૂતનો આરોપ છે કે તેમની જમીનમાં બળજબરીપૂર્વક જેસીબી (JCB) મશીનો ફેરવી દેવામાં આવ્યા છે અને તેમના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ સમગ્ર ઘટના પાછળનું મુખ્ય કારણ એક ખાનગી કંપની (કોપર) દ્વારા હાઈ-ટેન્શન વીજળીની લાઈન નાખવાનું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતની વેદના છે કે કંપનીને અનુકૂળતા રહે તે માટે જૂની લાઈન બદલીને બળજબરીથી તેમના ખેતરમાં વીજળીના ૧૩ જેટલા થાંભલા નાખવામાં આવી રહ્યા છે, સૌથી દુઃખદ વાત એ છે કે આ નુકસાન માટે બિચારા ખેડૂતોને કોઈ જ વળતર આપવામાં આવ્યું નથી, અને તેમને પરાણે આ પરિસ્થિતિ સ્વીકારવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.

જ્યારે આ ખેડૂત ભાઈએ ન્યાય માંગવા માટે પોલીસ સ્ટેશન ગયા, ત્યારે ત્યાં પણ તેમને કોઈ જ યોગ્ય સાથ-સહકાર ન મળ્યો હોવાની રાવ છે. ખેડૂત ભાઈનું કહેવું છે કે પોલીસે તેમને કલાકો સુધી બેસાડી રાખ્યા અને જે નિવેદન લેવામાં આવ્યું તેનો ફોટો પણ પડવા દીધો ન હતો. આ ઉપરાંત, ઉચ્ચ અધિકારીઓ અને મામલતદાર કચેરીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ સંતોષકારક ઉકેલ આવ્યો નથી.

આ ઘટનાએ ગુજરાતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ વેગ આપ્યો છે. લોકોમાં એવી ચર્ચા જાગી છે કે શું હવે ખેડૂતોનો અવાજ સાંભળવામાં નથી આવતો? સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને જોઈને ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે અને સત્તાધીશો દ્વારા ખેડૂતોની જમીન પર થતા કથિત દબાણનો વિરોધ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં આ લાચાર ખેડૂતને યોગ્ય ન્યાય મળે છે કે નહીં.

એક ખાનગી કંપની (કોપર) દ્વારા હાઈ-ટેન્શન વીજળીની લાઈન નાખવાનું હોવાનું ખેડૂતોએ જણાવ્યું

  • ખેડૂતને જમીન ખાલી કરવા પોલીસની કાર્યવાહીનો ડર બતાવવામાં આવે છે

  • ખેડૂતે દાવો કર્યો કે જમીનમાં બળજબરીપૂર્વક JCB મશીનો ફેરવી દેવામાં આવ્યા છે